Index Labels

What if entire Internet gets damaged, who has the internet key to reboot?

. . No comments:

જો આખેઆખું ઇન્ટરનેટ ડામાડોળ થઈ જાય તો…?

આખું જગત જેના પર મંડાણેલું રહે છે અને પોતાની અદ્ભુત તાકાત દ્વારા લોકોને પોતાના મોહમાં જકડી રાખનાર એવું ઈન્ટરનેટ અચાનક જ જો ડામાડોળ થઈ જાય તો? અચાનક જ બધી વેબસાઈટો ઠપ્પ થઈ જાય અથવા તો ખોટી સાઈટો ઓપન થવા લાગે તો શું આ ઠીક કરવાની કોઈ ‘ઇન્ટરનેટની ચાવી’ છે?
તાજેતરમાં જ ઇન્ટરનેટને બચાવવા માટેની ‘ઇન્ટરનેટ કી’ ધરાવતા સભ્યોની મીટિંગ અમેરિકાના લૉસ એન્જલસમાં મળી હતી. તો ઇન્ટરનેટ કેવી રીતે ડામાડોળ થઈ શકે છે અને તેને બચાવવાના શું પ્લાન અને ઉપાયો છે તેના પર કરીએ આજે નજર. રોજેરોજ ઇન્ટરનેટ પર વેબસાઈટોના જંગલમાં આપણે ખૂંદી વળીએ છીએ અને જે-તે માહિતી અને સર્વિસનો ભરપૂર લાભ લઈએ છીએ. પરંતુ ક્યારેય દિમાગમાં એવો વિચાર આવ્યો છે કે ઇન્ટરનેટ પર વેબસાઈટ ઓપન કરવાના શ્રીગણેશ કરતા Google.com ટાઈપ કરીએ અને ખૂલે Facebook.com તો કેવું લાગે? વાતને વધુ સારી રીતે સમજવા થોડું ગંભીર ઉદાહરણ લઈએ તો icicibank.com ઓપન કરો અને icciccibank.com ખૂલે અને અદ્દલ બૅન્કની સાઈટ જેવો જ લૂક ધરાવતી માહિતી ચોરનારી ડુપ્લીકેટ સાઈટમાં તમારી માહિતી નાંખો તો કેવા હાલ થાય? આવી પરિસ્થિતિ ઇન્ટરનેટ પર સાયબર એટેક અથવા તો કુદરતી આફતના કારણે ઇન્ટરનેટની સિસ્ટમ હચમચી જાય ત્યારે થઈ શકે છે. તો આવો વિસ્તારથી સમજીએ સમગ્ર પ્રકરણ.

ઈન્ટરનેટ પર સો થી હજારો અને લાખ્ખોથી કરોડો વેબસાઈટોનો ઢગલો થવા માંડયો હતો, જેથી તેને DNS (Domain Name System) દ્વારા મેનેજ કરવામાં આવે છે. ડોમેઇન નેમ સિસ્ટમ એક પ્રકારનું નામકરણ જ છે. આ સિસ્ટમમાં જે તે વેબસાઈટનો એક યુનિક આઈપી એડ્રેસ હોય છે, જેને ડોમેઈન નેમમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે જેથી લોકોને યાદ કરવામાં સરળતા રહે. અને ડોમેઈન નેમની URL દ્વારા જે તે વેબસાઈટને ઈન્ટરનેટ દ્વારા સર્ફ કરી શકાય. કરોડો વેબસાઈટના કરોડો ડોમેઈન નેમ યુનિક હોય છે અને તેને મેનેજ કરવામાં આવે છે નોન-પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશન ICANN (Internet Corporation for Assigned Names and Numbers) દ્વારા. આ ઓર્ગેનાઈઝેશન વેબસાઈટના ડોમેઈન નેમની સાચવણી કરે છે તેમજ DNS દ્વારા તેના હોસ્ટિંગ સર્વર સાથે જે તે નામ સામે તે જ વેબસાઈટ ઓપન થાય તેની સંભાળ રાખે છે.

થોડા મહિના અગાઉ જ અફવાએ જોર પકડયું હતું કે ઈન્ટરનેટની “કિલ સ્વિચ (Kill Switch)” છે જેની પાસે વેબ પર સાયબર એટેક થવાના સમયે આખા વેબને બંધ તેમ જ ફરી ચાલુ કરવાની તાકાત છે. જોકે આ અફવા હવે હકીકતમાં બદલાઈ છે. ક્યારેય વિચાર કર્યો છે ખરા કે ઈન્ટરનેટ જેની ઉપર આપણે આપણું આખે આખું ચારિત્ર્ય તેમજ અંગત ફોટો, માહિતી અને ઈમેલ જેવી વસ્તુઓ સાચવી રાખી છે તેના પર જો અચાનક સાયબર એટેક થાય તો? બટ ડોન્ટ વરી, આ માટેનો પ્લાન ICANN દ્વારા શોધી કઢાયો છે જેમાં એક ‘ઇન્ટરનેટ કી’ બનાવવામાં આવી છે જેના દ્વારા સાયબર એટેકની હોનારતને પહોંચી વળાય. આવો પહેલાં સમજીએ સાયબર એટેકને.

વેબ ઉપર સાયબર એટેક એટલે શું?

આમ તો છૂટક સાઈટને ટાર્ગેટ કરીને ‘બ્લેક હેટ’ હેકર્સ રોજ કોઈને કોઈ વેબસાઈટ પર સાયબર એટેક કરતાં હોય છે. જેમાં વેબસાઈટ વાયરસ, માલવેર કે અન્ય કોઈ સોફ્ટવેર્સ ઈન્સ્ટોલ કરી દેતાં હોય છે, પરિણામે વેબસાઈટના યુઝરને પોતાના કમ્પ્યુટરમાં ટેકનિકલ તકલીફ ભોગવવી પડતી હોય છે. આ ઉપરાંત હેકર્સ વેબસાઈટ દ્વારા યુઝરની પર્સનલ, ફાઈનાન્સિયલ અને અન્ય માહિતી ચોરી કરવા માટે પર સાયબર એટેક કરતા હોય છે. રાજકીય અથવા સુરક્ષા વ્યવસ્થાની માહિતીઓની ચોરી કરવા માટે પણ દેશની વેબસાઈટો પર હેકર્સ હુમલા કરતા હોય છે.

જોકે આવા સાયબર એટેકને રોકી અથવા કાબૂમાં લઈ શકાય છે, પરંતુ જો આખેઆખા વેબ પર જ સાયબર એટેક કરવામાં આવે તો? આ હુમલામાં શક્યતા છે કે વેબસાઈટો ડોમાડોળ થઈ જાય. તમે ગૂગલ સર્ચ કરવા જાઓ અને યાહૂ ઓપન થઈ જાય તેવું થઈ શકે છે. તમે તમારી બૅન્કની સાઈટ ઓપન કરો અને ભળતી કોઈ વેબસાઈટમાં જઈને તમે તમારી માહિતી નાંખો અને પરિણામે તમારી પર્સનલ માહિતી ચોરાવાની શક્યતા બને. વેબસાઈટના યુનિક નેમ બદલાઈ જાય છે તેમજ આખું વેબ અભરાઈએ ચઢી જવાની સંભાવના આ હુમલામાં થઈ શકે છે. આવા જ પ્રકારની ઘટના ડિસેમ્બર ૨૪, ૨૦૦૪ના રોજ બની હતી, જેમાં એક તુર્કીશ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે ભૂલથી પોતાનું રાઉટર એવી રીતે સેટ કર્યું હતું કે દુનિયાની દરેક વેબસાઈટ તેના રાઉટર પરથી પસાર થાય. પરિણામે લોડ વધી જતાં આખું ઈન્ટરનેટ ઠપ્પ થઈ ગયું હતું અને મોટા ભાગની વેબસાઈટો બંધ થઈ ગઈ હતી. જોકે આ તો ભૂલથી થયેલી ઘટના હતી, પરંતુ આવું જ કામ જો બદઈરાદાથી કરવામાં આવે તેને વેબ પરનો સાયબર એટેક સમજી શકાય.

સાયબર એટેકને પહોંચી વળવા કયો પ્લાન?

આ પ્રકારના સાયબર એટેકને પહોંચી વળવા ‘ઈન્ટરનેટની ચાવી’ બનાવવામાં આવી છે, જેના દ્વારા સાયબર એટેકના હુમલામાં અથવા તો ભૂકંપ કે અન્ય કોઈ મોટી કુદરતી આફતના કારણે વેબ ડામાડોળ થાય તો તે ચાવી દ્વારા આખેઆખા વેબને ફરીથી ચાલુ કરી શકાય. એટલે કે જો IP એડ્રેસ અને તેની સાથે જોડાયેલા નામની વચ્ચેનો સંબંધ તૂટી જાય ત્યારે ઇન્ટરનેટની ચાવી દ્વારા ફરીથી આ એડ્રેસ અને નામની ડિરેક્ટરીના ડેટાબેઝને વ્યવસ્થિત કરી શકાય. આ ચાવી ખૂબ જ વિશ્વાસુ, અનુભવી અને એક્સપર્ટ સભ્યોના હાથમાં સોંપવામાં આવે છે, જેમની પાસે વેબને રિબૂટ કરવાની સત્તા હોય છે. જોકે આ ચાવી કોઈ એકના હાથમાં ન હોઈ સાત દેશના અલગ અલગ સભ્યોને સોંપવામાં આવે છે. આ ક્રિયામાં આર્મી કે રાજકારણની ભૂમિકા હોતી નથી. આંતરરાષ્ટ્રીયસ્તરે અથવા મોટા એટેક દરમિયાન આ મોટા સર્વર્સ ડેમેજ થવાથી વેબ આખું વેર-વિખેર થઈ શકે છે. જેમ ન્યુક્લિયર બોમ્બ વિસ્ફોટ માટે કોઈ એકને સત્તા હોતી નથી અને દરેક સભ્ય દેશોએ એકસાથે ભેગાં થઈ પ્રોસેસ કરવી પડે છે. તે જ રીતે સાયબર એટેકના સમયે ઈન્ટરનેટ ચાવી ધરાવતા ઓછામાં ઓછા ૫ સભ્યોએ અમેરિકામાં એક સેન્ટર પોઈન્ટ પર ભેગાં થવાનું રહે છે અને તેમની ચાવી કનેક્ટ કરવી પડશે. ત્યારબાદ જ તેઓ સંપૂર્ણ ઈન્ટરનેટને બંધ કરીને ફરી ચાલુ કરી શકશે. પાંચ ચાવી ભેગી થઈને માસ્ટર કી બનવી જરૂરી છે અને તો જ તે કનેક્ટ થઈ શકશે. જ્યારે પણ આ ચાવીધારકો મળે છે ત્યારે ડોમેઇન નેમ અને IP એડ્રેસના લિંકની ચોક્સાઈ તપાસે છે. દરેક ચાવીનો એક સિક્યોરિટી પિન નંબર પણ હોય છે જેને કનેક્ટ કરતી વખતે જરૂર પડે છે.


  • અમેરિકા સહિત બ્રિટન, ચીન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, બુર્કિના ફાસો, ચેક રિપ્બલિક અને કેનેડા જેવા સાત દેશોના સભ્યો આ ચાવી ધરાવે છે.

  • ઇન્ટરનેટ સિક્યોરિટી એક્સપર્ટ, વિશ્વાસુ અને અનુભવી વ્યક્તિઓને આ ચાવી આપવા માટે પસંદ કરવામાં આવે છે.
  • ચાવી ધરાવતા સભ્યો વર્ષમાં ચાર વખત મળે છે જેમાં બે વખત અમેરિકાના પૂર્વ અને બે વખત પશ્ચિમ દરિયાકિનારે મળે છે.
  • મીટિંગ-સેરેમની રૂમમાં પણ એટલી સિક્યોરિટી હોય છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ અંદર કે બહાર જઈ શકતા નથી. દરેકને પ્રવેશતા પહેલાં એક સ્કેનરમાંથી પસાર થવાનું હોય છે. સેરેમની શરૂ કરવા માટે સાતમાંથી ઓછામાં ઓછા ત્રણ ચાવી ધારક સભ્યો હોવા જરૂરી છે.
  • ચાવી ધરાવતા સભ્યો ICANN (ઇન્ટરનેટ પરની વેબસાઈટના નામકરણનું અને સિક્યોરીટીનું ધ્યાન રાખતી સંસ્થા)ને વર્ષમાં એક દિવસે ન્યૂઝપેપરની સાથે ફોટો પડાવીને મોકલી આપતા હોય છે. આ એક પ્રકારનો ઓલ ઇઝ વેલનો ઇશારો છે.
  • મોટી વિનાશક કુદરતી આફત કે સાયબર એટેકના પરિણામે ઇન્ટરનેટ (વેબસાઈટનો ડેટાબેઝ) ડામાડોળ થાય તો જ તેને રિબૂટ કરવા માટે સભ્યોને બોલાવવામાં આવે છે.

શું છે ઈન્ટરનેટ ચાવી?

ઈન્ટરનેટની ચાવીને કનેક્ટ કરવી એટલે હોલિવૂડની જેમ્સ બોન્ડ ફિલ્મીસ્ટાઈલ પ્રમાણે ટોપ સિક્રેટ જગ્યા પર મોટી બિલ્ડિંગમાં લાલ-પીળી લાઈટો ઝબકતી હોય અને મોટી મોટી કમ્પ્યુટર સિસ્ટમ્સ હોય અને અભેદ્ય સિક્યોરિટી હશે અને ત્યાં કનેક્ટ કરવા જવું પડતું હશે એવું જો તમે વિચારતા હોવ તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. ઈન્ટરનેટ ચાવી એ એક આપણા ડ્રાઈવિંગ લાયસન્સ જેવું જ સ્માર્ટ કાર્ડ હોય છે, જેમાં cryptographic Keys હોય છે. જેને એક અલગોરિધમ અને ચોક્કસ ગુપ્ત કોડ દ્વારા બનાવવામાં આવે છે, જેને ઉકેલવો લગભગ અશક્ય જેવું હોય છે. આ પાંચ કાર્ડધારકો મળે અને એકસાથે મેચ કરે તો જ આખું ઈન્ટરનેટ ફરી ચાલુ કરી શકાય.

કોની પાસે છે ઈન્ટરનેટની ચાવી?

ઈન્ટરનેટની ચાવી વિશ્વના સરખા ભાગમાં એમ દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ઝોન એમ સાત દેશોને સોંપવામાં આવી છે. જેમાં અમેરિકા સહિત બ્રિટન, ચીન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, બુર્કિના ફાસો, ચેક રિપ્બલિક અને કેનેડાનો સમાવેશ થાય છે. જોકે આ દેશોના સભ્યોના નામ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખાવમાં આવે છે. તેમ છતાં હાલમાં જ ન્યૂઝ હતા કે બ્રિટન તરફથી નવા સભ્ય તરીકે પોલ કેનની નિમણૂક કરવામાં આવી છે. ઈન્ટરનેટની કમ્યુનિટી દ્વારા સિલેક્ટ થતી 21 Trusted Community Representatives (TCRs) સભ્યોની ટુકડીનો ત્રીજો ભાગ એટલે કે સાત સભ્યોને આ ઈન્ટરનેટની ચાવી માટે પસંદ કરવામાં આવે છે.
રશિયા તરફથી દિમીત્રી બુર્કોવ પાસે ઇન્ટરનેટ કી છે. બુર્કોવ રશિયન સિક્યોરિટી એક્સપર્ટ છે અને ઘણી ઇન્ટરનેટ NGO સંસ્થાઓમાં કામ કરેલું છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links