Friday, August 19, 2011

ક્યાંથી આવે છે ગૂગલના Doodles?

0 comments

ગૂગલ 'ડૂડલ્સ' આ શબ્દ તમારા માટે નવો હોઈ શકે. પરંતુ તમે અવારનવાર ઇન્ટરનેટ પર તેને જોતાં હોવ છો અને તેને જોતાં જ એકસો ને એક ટકા ક્રિએટીવિટીની કદર કરવાનું મન થઈ જાય. હા, વાત થાય છે વાર-તહેવારે રંગ બદલતા ગૂગલના લોગો એટલે કે 'ડૂડલ્સ'ની. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે કે આ નીતનવા ડૂડલ્સ આવે છે ક્યાંથી અને કોણ બનાવે છે?

વર્ષ 1998માં રજૂ થયેલું સૌ પ્રથમ ગૂગલ ડૂડલ

ગૂગલની વેબસાઈટ ઓપન કરીએ એટલે લગભગ રોજ નવા ડૂડલ્સ (લોગો) જોવા મળે. તમે જોયું હશે કે ગૂગલનો લોગો જે-તે પ્રસંગે એકદમ અલગ દેખાતો જોવા મળે છે. કોઈ વાર ચાર્લી ચેપ્લીનને યાદ કરતો લોગો, તો ક્યારેક નાતાલ ઉજવતો સાંતાક્લોઝ ગૂગલના લોગોમાં ઝળકી ઉઠતો હોય છે. આ ઉપરાંત એનિમેટેડ લોગોમાં તો ગૂગલ જાણે ક્રિએટીવ કંપની હોય તેમ લોગોમાં ગજબની કારીગરી દેખાતી હોય છે. તમને યાદ હશે કે ચંદ્રગ્રહણ વખતે ગૂગલનો લોગો કેવો થઈ ગયો હતો? પછી હાલમાં જ ગૂગલના લોગોની જગ્યાએ લેસ પોલની યાદમાં ગિટારનું ઓબ્જેક્ટ મૂકવામાં આવ્યું હતું જેને કીબોર્ડ તેમ જ માઉસ દ્વારા વગાડી શકાતું હતું. અરે હા, અને પેલા પેક-મેનના લોગોને કેમ ભૂલી શકાય જેમાં તમે ઓફિસ ટાઈમમાં રમવામાં કલાકો કાઢયાં હતાં. આજે ગૂગલના આ ડૂડલ્સ ઇન્ટરનેટ કલ્ચરનો એક ભાગ બની ગયો છે.  બસ, તો આવો વધુ જાણીએ આ ગૂગલના ડૂડલ્સ વિશે.

ડૂડલનો ઇતિહાસ
વર્ષોથી ગૂગલના લોગો અવારનવાર પ્રસંગોએ બદલાયેલ દેખાતા હોવાથી યુઝર્સને પણ હવે ર્સિંચગ કરવાની સાથે સાથે ફન અને એન્જોયમેન્ટ મળે છે. શરૃઆતમાં જ્યારે ગૂગલ ડૂડલને મૂકવામાં આવ્યું હતું ત્યારે કોઈને અંદાજો પણ ન હતો કે આટલી હદ સુધી તે લોકપ્રિય બની જશે. આજે પરિણામ એ છે કે ઘણાં યુઝર્સ નવા ડૂડલ્સની રાહ જોઈને બેસી રહ્યાં હોય છે તેમ જ કેટલાંક તેને સાચવીને મૂકી પણ રાખતાં હોય છે.
ડૂડલ્સ ખાસ કરીને હોલિડે, એનિવર્સરી, વૈજ્ઞાનિક, આર્ટીસ્ટ તેમ જ અન્ય મહાન વ્યક્તિઓ વગેરેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતાં હોય છે. ડૂડલ્સ ટીમ લોગો પર પોતાની કલાગીરી દેખાડવા માટે ક્યારેય પણ કોઈ ઈવેન્ટ છોડતાં નથી. આજે ગૂગલ કંપની તરીકે ડૂડલ્સને પોતાની બ્રાન્ડનો એક ભાગ માને છે. તેમ જ તેઓ માને છે કંપનીની ક્રિએટીવ અને ઈનોવેટીવ પર્સનાલિટી ડેવલપ કરવામાં પણ ડૂડલ્સનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

કેવી રીતે આવ્યો ડૂડલનો આઈડયા?
વર્ષ ૧૯૯૮માં ગૂગલના ડૂડલનો જન્મ થયો હતો. જ્યારે ગૂગલ કંપનીના માલિક લેરી અને સર્જે બંનેએ ગૂગલના કોર્પોરેટ લોગો સાથે થોડો બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેઓ નેવાડાના રણમાં 'બર્નીંગ મેન ફેસ્ટિવલ' હાજરી આપવા જઈ રહ્યાં છે અને તેઓ આઉટ ઓફ ઓફિસ હશે તે જણાવવા માટે ગૂગલના લોગોમાં ચેન્જ કરવામાં આવ્યો હતો. Google ના બીજા O પાછળ સ્ટીક લઈને ઉભેલો એક માણસ મૂકવામાં આવ્યો હતો જેનો મેસેજ હતો 'આઉટ ઓફ ઓફિસ'. જો કે આ લોગોની હરકત લોકોને પસંદ આવી અને ત્યાર બાદ સિલસિલો શરૃ થયો.
એક વખતે વર્ષ ૨૦૦૦માં ગૂગલના માલિકે હાલના વેબમાસ્ટર અને તે સમયના ઈન્ટર્ન ડેનિસ વાંગને  Bastille Day માટે લોગો તૈયાર કરવા કહ્યું. પરિણામથી ખુશ થયેલા લેરી અને સર્જેએ ડેનિસને ગૂગલનો ચીફ ડૂડલર તરીકે નિમણૂક કરી દીધી હતી. શરૃઆતમાં ડૂડલ્સ ફક્ત મોટી રજાઓના દિવસે જ મૂકાતાં પરંતુ હવે લગભગ દરેક ઈવેન્ટ અને દિવસને આવરી લેવામાં આવે છે.

કોણ બનાવે છે ડૂડલ્સ?
ગૂગલ પર અવારનવાર ચિત્ર વિચિત્ર દેખાતા મોટા ભાગના લોગો ગૂગલના કર્મચારી ડેનિસ વાંગ દ્વારા બનાવાયા છે. હાલમાં તો ગૂગલ પાસે ડૂડલ્સ બનાવવા માટે એક ટેલેન્ટેડ ડિઝાઈનર્સની ટીમ છે જે હંમેશા નવા નવા લોગો બનાવવા માટે કાર્યરત રહેતી હોય છે. ટીમની જેનિફર હોમનું કહેવું છે કે "ડૂડલ બનાવવું એ એક આશ્ચર્ય અનુભવવા જેવું છે. વળી, તેને બનાવવા માટે જોઈતો સમય પણ ખૂબ ચેલેન્જીંગ હોય છે. નાસાએ જ્યારે ૨૦૦૯માં ચંદ્ર પર પાણી હોવાના સંકેત આપ્યા હતાં ત્યારે આ વિષય પર લોગો બનાવવાનું મને લંચ ટાઈમમાં કહેવામાં આવ્યું હતું. જેની માટે મારી પાસે માંડ ૪ કલાક જેટલો જ સમય હતો."
આ ડૂડલ્સના આઈડયાનો જન્મ ગૂગલના ૨૮૦૦૦થી વધુ કર્મચારીઓ, યુઝર્સ અને સમાચારોમાંથી થાય છે. ડૂડલ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે અને ગૂગલ ટીમને મોકલી શકે છે જ્યાં પસંદગીને આધારે સિલેક્ટ કરવામાં આવે છે. proposals@google.com પર ઈમેલ કરીને તમે તમારો ડૂડલ ગૂગલને સબમીટ કરી શકો છો. ૧૯૯૮થી લઈને અત્યાર સુધી ગૂગલ પાસે લગભગ ૧૦૦૦થી પણ વધુ ડૂડલ્સ છે જેને ગૂગલની સાઈટ ઉપર લાઈવ મૂકવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ગૂગલ જુદા જુદા દેશોમાં 'ડૂડલ ફોર ગૂગલ'ની કોમ્પિટિશન પણ રાખે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની મુજબ લોગો બનાવે છે. ગૂગલના ડૂડલ્સ ગૂગલની વેબસાઈટ પર દરેક દેશમાં જે-તે દેશની ઈવેન્ટ મુજબ દેખાતાં હોય છે. મોટી ઈવેન્ટ હોય ત્યારે જ ગ્લોબલી એક જ લોગો દેખાતો હોય છે.

ગૂગલના ટોપ 5 ડૂડલ્સ

૧. પેક-મેન - મે ૨૨, ૨૦૧૧
લોકપ્રિય ગેમ પેક મેનની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે ગૂગલે પોતાના લોગોની જગ્યાએ પેક-મેનની લાઈવ ગેમ જ મૂકી દીધી હતી. જે ખાસી લોકપ્રિય થઈ હતી અને યુઝર્સે સારો આવકાર આપ્યો હતો આ નવતર પ્રયોગને. આ જ કારણોસર ગૂગલે આજની તારીખમાં પણ તેને અલાયદી વેબસાઈટ www.google.com/pacman પર મૂકી રાખી છે.

૨. લેસ પોલના જન્મદિન નિમિત્તે ગિટાર ઓબ્જેક્ટ - ૯ જૂન, ૨૦૧૧

જાણીતા ગિટારિસ્ટ લેસ પોલના ૯૬મા જન્મદિવસે ગૂગલે લોગોની જગ્યાએ ગિટારનું લાઈવ ઓબ્જેક્ટ મૂક્યું હતું. જેને કીબોર્ડ અને માઉસ બંને દ્વારા વગાડી તેમ જ રેકોર્ડ પણ કરી શકાતું હતું. www.google.com/logos/2011/lespaul.html પર હાલ હજું પણ આ જોવા મળે છે.

૩. લ્યુનર એક્લિપ્સ - જૂન ૧૫, ૨૦૧૧

સદીની સૌથી લાંબુ અને ગાઢ ચંદ્રગ્રહણ જૂન ૧૫, ૨૦૧૧ના રોજ હતું અને તેના આધારે જ ગૂગલે પણ પોતાના લોગોમાં ચંદ્રગ્રહણના દર્શન કરાવ્યાં હતાં.

૪. ચાર્લી ચેપ્લીન - એપ્રિલ ૧૬, ૨૦૧૧

ચાર્લી ચેપ્લીનના ૧૨૨માં જન્મદિવસ નિમિત્તે ગૂગલે ચેપ્લીનના જેવા દેખાતા માણસને લઈને એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. જેને ગૂગલના લોગોની જગ્યાએ દર્શાવવામાં આવી હતી. ગૂગલનો આ સૌ પ્રથમ વિડીયો ડૂડલ હતો.

૫. ગાંધી જ્યંતિ - ઓક્ટોબર ૨, ૨૦૦૯

મહાત્મા ગાંધીની ૧૪૦મી જન્મજયંતિ દરમ્યાન ગૂગલે બાપુના ચિત્રને ગૂગલના લોગોમાં દર્શાવ્યો હતો.



ગૂગલના વર્ષ ૧૯૯૮થી માંડીને અત્યાર સુધીના દરેક ડૂડલ્સને જોવા હોય તો www.google.com/logos પર લોગઓન કરો.

Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=318882

Friday, August 12, 2011

ગૂગલ ક્રોમના સૌથી ફેવરિટ અને ઉપયોગી એક્ષટેન્શન્સ

0 comments


ટૂંક સમયમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સના સામ્રાજ્યને નબળું પાડીને નેટીઝન્સનું ફેવરિટ બની ગયેલું ગૂગલ ક્રોમ બ્રાઉઝર આજે મોટાભાગના યુઝર્સના કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ થયેલું જોવા મળે છે. કેટલાંક યુઝર્સ હજુ પણ ક્રોમને ગૌણ બ્રાઉઝર તરીકે જ ગણે છે તેવા યુઝર્સે તેના ઉપયોગી એવાં એક્ષટન્સ જાણીને તેની ઉપયોગિતા પર શંકા કરવાનું બંધ કરવું જોઈએ...

ગૂગલ ક્રોમના એક્ષટેન્શન્સનો ઉપયોગ કરીને બ્રાઉઝરને વધુ સરળતા ઉપયોગ કરી શકાય છે જેથી તમારો સમય અને મહેનત બંનેમાં બચાવ થાય છે અને પરિણામ રૃડું અને રૃપાળું મળે એ તો નફાનું. ક્રોમના એક્ષટેન્શન્સ સર્ચ કરવા માટે અલાયદી વેબસાઈટ છે જેને 'ક્રોમ વેબ સ્ટોર' (https://chrome.google.com/webstore) કહે છે જ્યાં કી-વર્ડ દ્વારા અલગ અલગ ઉપયોગી એક્ષટેન્શન સર્ચ કરીને ઈન્સ્ટોલ કરી શકાય છે.

ગૂગલ કેલેન્ડર પોપ-આઉટ
Dayhiker નામનું એક્ષટેન્શન તમને કેલેન્ડર પેજની મુલાકાત લીધા વિના ગૂગલ કેલેન્ડર (https://www.google.com/calendar/)ને બ્રાઉઝરમાં જ દર્શાવવાની સુવિધા પૂરી પાડે છે. ફકત Calendar આઈકોન પર ક્લિક કરતાં જ ચાલુ માસનું બોક્સ જોવા મળે છે તેમ જ કોઈ પણ તારીખ પર ક્લિક કરતાં ત્યાં જ અપોઈન્ટમેન્ટ્સ કે નોટ પણ જોવા મળી જાય છે.

Mail Checker Plus for Google Mail
આ એક્ષટેન્શન તમને બ્રાઉઝરમાં જ તમારા કોઈ પણ ઈમેલ એકાઉન્ટને લોગઈન કરીને એક્સેસ કરવાની સવલત આપે છે. જેથી તમારે વારંવાર દરેક વેબસાઈટમાં મેઈલ ચેક કરવા જવું પડતું નથી. આ ઉપરાંત તમે ડિલીટ, સ્પામ, આર્કાઈવ, માર્ક રીડ વગેરે જેવી પ્રક્રિયા પણ અહીંથી જ કરી શકો છો. વળી, નવો મેઈલ આવે તો ડેસ્કટોપ અને સાઉન્ડ નોટિફિકેશન દ્વારા તમને જાણ પણ કરે છે.

WOT
WOT એટલે Web of Trust અને આ એક્ષટેન્શન તેના નામ પ્રમાણેનું જ કામ કરે છે. આ એક્ષટેન્શન તમને બ્રાઉઝરમાં થતી જુદી જુદી વેબસાઈટ વિશે ફીડબેક આપતું રહેશે. તેમ જ જે વેબસાઈટમાં વાયરસ અને સ્પામનો ભય હોય છે તેવી સાઈટ્સથી ચેતવે પણ છે. આ ઉપરાંત એવી શોપીંગ સાઈટ્સની યાદી પણ તેની પાસે ઉપલબ્ધ છે જે ગ્રાહકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતી હોય છે. વળી, સાઈટની માહિતી મુજબ કઈ ઉંમરની વ્યક્તિ માટે જે-તે સાઈટ વિઝીટલાયક છે તે પણ બતાવે છે.

AdBlock
કદાચ વેબસાઈટ ર્સિંફગ કરતા સમયે સૌથી વધારે ગુસ્સો અપવાનારી ચીજ હોય તો તે છે વેબસાઈટમાં દેખાતી એનિમેટેડ અને ભભકદાર જાહેરાતો. જે આપણને માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પાછી પાડે છે. બસ, જો તમે પણ આ જાહેરાતોથી કંટાળ્યા હોવ તો તમારા માટે આ એક્ષટેન્શન એકદમ ઉપયોગી છે. ફક્ત ઈન્સ્ટોલ કરી દો અને પછી બ્રાઉઝરમાં વેબસાઈટ વિઝીટ કરશો તો જાહેરતા 'મિ.ઈન્ડિયા' બની જશે. ફેસબુક અને ગૂગલની જાહેરાત પણ બ્લોક કરી દે છે આ એક્ષટેન્શન.

Docs PDF/PowerPoint Viewer
આ એક્ષટેન્શન દ્વારા તમારા મેઈલના એટેચમેન્ટમાં કે પછી વેબસાઈટ પરથી PDF કે Power point ફાઈલને જોવા માટે અલગથી ડાઉનલોડ કરીને જે-તે પ્રોગ્રામને ઓપન કરવાની જરૃર નથી પડતી. પરંતુ બ્રાઉઝરમાં જ તમને PDF કે Power point ફાઈલ ઓપન કરી આપે છે જેથી તમારા સમયમાં ઘણો બચાવ થાય છે.

Google Translate
જે યુઝર્સ વિદેશી ભાષાઓની વેબસાઈટ વારંવાર વિઝીટ કરતાં હોય છે તેમના માટે આ એક્ષટેન્શન ખૂબ જ ઉપયોગી છે. એક્ષટેન્શન ઈન્સ્ટોલ કર્યા બાદ ઉપર ટુલબારમાં Translate બટન પર ક્લિક કરતાં જ તમે જે-તે ભાષામાંથી તમારી ઈચ્છા મુજબની ભાષામાં વેબસાઈટની માહિતીને કન્વર્ટ કરી શકો છો.

IE Tab
ક્રોમના રેગ્યુલર યુઝર્સે અનુભવ કર્યો હશે કે અમુક વેબસાઈટ ગૂગલ ક્રોમમાં બરાબર દેખાતી નથી હોતી જ્યારે તે જ વેબસાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરરમાં ઝક્કાસ દેખાતી હોય છે. પરંતુ હવે પછી આ એક્ષટેન્શન ઈન્સ્ટોલ કરી દો જેથી તમે એક જ ક્લિક દ્વારા ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં દેખાતું હોય તેમ જ ક્રોમમાં પણ દેખી શકશો. જેથી તમારે અલગથી બ્રાઉઝર ઓપન નહીં કરવું પડે.

FlashBlock
હાલની દરેક વેબસાઈટમાં તમને ફ્લેશ એનિમેટેડ ઓબ્જેક્ટ જોવા મળતું જ હોય છે. આ ફ્લેશ જે-તે વેબપેજમાં એમ્બેડ કરેલું હોય છે જેથી ઘણીવાર તે વાયરસને આમંત્રણ આપવા સમાન હોય છે. આ એક્ષટેન્શન દરેક ફ્લેશ ઓબ્જેક્ટને ડિસેબલ કરી દે છે જેથી તે ભય રહેતો નથી. જો કે તમને વેબસાઈટમાં વિશ્વાસ હોય તો તમે [Ctrl]+[Shift]+[F] કરીને તેને એનેબલ કરી જોઈ પણ શકો છો. ત્યાર બાદ દરેક વખતે તે સાઈટના ફ્લેશ ઓબ્જેક્ટ તમને જોવા મળશે.

VidzBigger
આ એક્ષટેન્શન યુટયુબના વિડીયો ચાહકો માટે છે. જેને ઈન્સ્ટોલ કરતાં તમે જ્યારે પણ યુટયુબના વિડીયો જોશો ત્યારે તે આપોઆપ મહત્તમ સાઈઝમાં તમને વિડીયો દર્શાવવાનો પ્રયાસ કરશે. યુટયુબના પેજ પરના કોમેન્ટ વિભાગ તેમ જ સંબંધિત વિડીયો સેક્શનને પણ તમે સેટિંગ્સમાં જઈને દૂર કરી વિડીયો માટે વધુ જગ્યા પેજ ઉપર કરી શકો છો. હાઈ ડેફીનેશન વિડીયો જોવાના હોય ત્યારે આ ખરું કામ લાગે છે.

Thursday, August 4, 2011

ફેસબુકની સિક્રેટ ટ્રિક્સ જાણી બનો ફેસબુક Geek...!!!

0 comments


કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે ફેસબુક યુઝર્સ જોવા મળે છે ત્યારે તેની કેટલીક સિક્રેટ ટ્રિક્સ જાણીને બની જાઓ ફેસબુક Geek...!!

તમારામાંથી કેટલાંય એવા ફેસબુકર્સ હશે જેમની ફેસબુક દેશમાં સિનિયર સિટીઝન્સ તરીકે ગણતરી કરી શકાય. કારણકે તેઓ વર્ષોથી રોજ સવારે ઉઠીને તેમ જ રાતે સૂતી વખતે પણ ફેસબુકના ફેસના દર્શન કરતાં રહેતાં હોય છે. આટલો નિયમિત હદ વગરનો ઉપયોગ રોજબરોજની સરકારી નોકરીની જેમ કંટાળો ચોક્કસપણે આપતો હોય છે. પરંતુ જો તમારે એકના એક જેવાં સ્ટેટસ, ફોટો, લિંક્સ, વિડીયો વગેરે અપડેટ્સ કરીને કાગડાના ચાલ જેવી પ્રક્રિયાથી કુછ હટકે કરી જુઓ. જેથી તમારા મિત્રોમાં તમારું ફેસબુક અને કમ્પ્યૂટરજ્ઞાનના દર્શન દેખા દેશે. આજના શબ્દોમાં કહીઓ તો તમે 'ફેસબુક ગીક' તરીકે ઉભરી આવશો. તો લેટ્સ, ચેક આઉટ એવી જ અમુક ટ્રિક્સ જે તમને સ્માર્ટ ફેસબુકરનું બિરુદ અપાવશે...

૧. ડેસ્કટોપ ફેસબુક ચેટ મેસેન્જર
આજે મોટાભાગે દરેક કોર્પોરેટ ઓફિસમાં તેમ જ સ્કૂલમાં 'વર્ચ્યુઅલ નશા' ફેસબુક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય છે. બાય લક, ઓપન હોય તો પણ ડરી ડરીને ફેસબુકના લોગો સાથેની બ્લૂ એન્ડ વ્હાઈટ સ્ક્રીન બોસ જોઈ ન જાય તેનો ડર સતાવતો રહેતો હોય છે. પરંતુ, મિત્રતા સાચવવા (મજાકમાં લેજો) ફ્રેન્ડ્ઝ સાથે ચેટિંગ કરવાની મજા ક્યાંથી છોડાય? પરંતુ વારંવાર ચેટિંગ કરવા માટે બ્રાઉઝરમાં ફેસબુક ઓપન ન કરવું પડે અને યાહૂ મેસેન્જરની જેમ જ ફેસબુક ચેટ મેસેન્જરની ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેથી આ સમસ્યાનો મહ્દ અંશે અંત આવશે. http://www.chitchat.org.uk/ પરથી 'ચિટ ચેટ ફેસબુક' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસબુકના મિત્રો સાથે બ્રાઉઝરમાં ઓપન કર્યા વગર અહીંથી જ ચેટિંગ કરી શકાશે.

૨. Google+ના Circle ની જેમ ફ્રેન્ડ લિસ્ટ મેનેજ કરો
ગૂગલ પ્લસનો જેમણે ઉપયોગ કર્યો હશે તેમને ફેસબુકની સરખામણીમાં સૌથી સરળતાનો અનુભવ ફ્રેન્ડ લિસ્ટ મેનેજ કરવા માટે 'સર્કલ' ફિચરે કરાવ્યો હશે. ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલીટીને કારણે મોટી સંખ્યામાં હાજર ફ્રેન્ડઝને ગ્રુપ મુજબ મેનેજ કરવા સરળ બનતા હોય છે. જો અદ્દલ આ જ પ્રકારની ફેસિલીટી દ્વારા તમારા ફેસબુકના ફ્રેન્ડઝને મેનેજ કરવા હોય તો ફેસબુકમાં લોગઈન કરીને http://www.circlehack.com સાઈટ ઓપન કરો. બસ, પછી જુઓ 'સર્કલ' જેવું જ હશે ફેસબુકમાં.

૩. ચેટ બોક્સમાં Bold & Underline કરો
તમે જોયું હશે કે ચેટિંગ દરમ્યાન ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ એટલે કે બોલ્ડ કે અન્ડરલાઈન કરેલા શબ્દો જોવા નહીં મળે. તો પછી તમે હવે ચેટિંગમાં ફ્રેન્ડ્ઝ સાથે વાતો કરતી વખતે બોલ્ડ અને અન્ડરલાઈન કરેલા શબ્દો મોકલીને તેમને બતાવી દો કે તમે છો સ્માર્ટ યુઝર.
બોલ્ડ કરવા - Hello *Friends* (Friends બોલ્ડ દેખાશે)
અન્ડરલાઈન - Hello _Friends_(Friends નીચે અન્ડરલાઈન દેખાશે)

૪. 420થી વધુ શબ્દોમાં સ્ટેટસ મેસેજ અપડેટ કરો
લાં...બુ લચક લખનારાઓએ અનુભવ કર્યો હશે કે ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરવા માટે ફ્કત ૪૨૦ કેરેક્ટર્સની જ મર્યાદા મળે છે. ઘણી વાર કેહવું વધારે હોય છે પરંતુ ૪૨૦ શબ્દો ઓછાં પડી જાય. તો ડોન્ટ વરી, તમારી લખવાની ભાવનાને માન આપો અને તે લાંબા મેસેજને થોડુંક આ રીતે મેનેજ કરો (Notes તરીકે નહીં). Status ને બદલે Photo પર ક્લિક કરો અને ત્યાર બાદ કોઈ પણ મેસેજને લગતો નાનો અથવા તો નકામો ફોટો અપલોડ કરીને તમારો મેસેજ ટાઈપ કરો. તમે ઈચ્છો તેટલું લાંબુ લખાણ લખી શકશો.

૫. તમારા સ્ટેટસ મેસેજને શિડયુલ કરો
જો તમારે કોઈ સ્ટેટ્સ મેસેજ કોઈ સ્પેશિયલ ડે પર અપડેટ કરવાનો હોય પરંતુ તેને યાદ ન રાખવો હોય તો તમે અગાઉથી જ તેને શિડયૂલ કરી શકો છો. ત્યાર બાદ તમારો મેસેજ આપોઆપ જે-તે દિવસે કે સમયે અપડેટ થઈ જશે. આ ઉપરાંત જ્યારે તમને અગાઉથી જ ખ્યાલ છે કે જે-તે સમયે તમારી પાસે ફેસબુકનો એક્સેસ ન હોય તેમ છતાં પણ તમે તમારું સ્ટેટસ અપડેટ કરી શકો છો. આ માટે http://laterbro.com (ફેસબુક એપ્લિકેશન) નામની વેબસાઈટ તમને મદદ કરે છે. સાઈટમાં તમારા ફેસબુકના લોગઈનથી એન્ટર થાઓ અને ત્યાર તમે ત્યાં તમારા મેસેજ શિડયૂલ કરી શકશો.

૬. તમારું ફેસબુક એકાઉન્ટ Excelમાં એક્સેસ કરો
ઓફિસમાં ફેસબુક ઓપન કરવું એટલે રાજીનામાને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. જો કે ફેસબુકનો નશો લોકોને એટલો ચઢયો છે કે તેના વિના ચાલતું નથી. આવામાં યુઝર્સ ઓફિસમાં પણ ફેસબુક ઓપન કરતાં હોય છે પરંતુ ચૂપકે ચૂપકે. બસ, આ જ સમસ્યાના નિવારણરૃપે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે તેમ લાગે છે. રંંૅઃ//ુુુ.રટ્વઙ્ઘિઙ્મઅર્ુિા.ૈહ/ નામની વેબસાઈટ પરની આ એપ્લિકેશન તમને તમારું ફેસબુક એકાઉન્ટ ઓફિસમાં સૌથી વધુ વપરાતું સોફ્ટવેર Excelના રૃપરંગમાં ઢાળી આપે છે. જેથી કોઈ ફક્ત ઉડતી નજર મારે તો સામેની વ્યક્તિને એક્સેલ પર કામ કરી રહ્યો છે તેમ જ લાગે. ગજબનો વિચાર વાપરીને બનાવેલી આ એપ્લિકેશનમાં એક્સેલ સોફ્ટવેરમાં બોક્સ અને લાઈન્સમાં તમારા અપડેટ્સ અને નોટિફિકેશન જોવા મળે છે. એક વખત ટ્રાય તો કરી જોવા જેવું ખરું હોં...

૭. ફેસબુકના વિડીયો ડાઉનલોડ કરો
ફેસબુકના વિડીયો ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી રાખવા હોય તો તમે http://www.downfacebook.com/ વેબસાઈટની મદદ મેળવી શકો છો.

સિક્યોરિટી ટિપ - ઉપરોક્ત ટ્રિક્સ એ એક પ્રકારની એપ્લિકેશન હોય છે જેથી તેનો એક્સેસ કરતી વખતે તમારા એકાઉન્ટમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. વળી, ફેસબુકની પોલીસી પ્રમાણે એપ્લિકેશન તમારી અમુક માહિતી પણ એક્સેસ કરી શકતી હોય છે. (જો કે તમે ઘણી બધી નકામી એપ્લિકેશનનો ઢગલો કર્યો જ હશે એકાઉન્ટમાં). અમુક એપ્લિકેશનના ઉપયોગ મુજબ તેનો એક વખત ઉપયોગ કર્યા પછી તેને રિમૂવ કરી દેવાની ટેવ રાખો. ફરી ઉપયોગ માટે જે-તે સમયે એકસેસ કરવું.

Privacy Settingsમાં નીચે ડાબા ખૂણે Apps and Websites હેઠળ Edit your Settings ક્લિક કરો. જ્યાં Apps you useની યાદીમાંથી ઉપયોગ કરેલી એપ્લિકેશનને રિમૂવ કરી દો. નકામી હોય તેવી એપ્લિકેશનને રિમૂવ કરવાની નિયમિત ટેવ રાખો.

Wednesday, August 3, 2011

જાણો ગૂગલ પ્લસ વિશે થોડું વધુ

0 comments

ફેસબુકના ફેસ પર ચિંતાના વાદળો ઘેરાવી દેનાર ગૂગલ પ્લસની ચર્ચા હાલમાં નેટીઝનોના ચર્ચાના ઓટલે મોખરે છે. ફેસબુક અને ગૂગલ એકબીજાના ફેન્સ કોણ ચઢિયાતું છે તેની પળોજણમાં લાગી ગયાં છે. બટ, આવો જોઈએ ગૂગલ પ્લસમાં આખરે છે શું?

ગઈ વખતે આપણે ગૂગલ પ્લસ અને ફેસબુકની સરખામણી કરી જોઈ. આજે ગૂગલ પ્લસના હોમપેજ પર દેખાતા ફીચર્સ વિશે આપણે જાણીશું જેથી તેનો ઉપયોગ શું છે અને તેની કેટલી જરૃરિયાત છે તેનો ખ્યાલ સીધો જ આવી જશે.

તમારા ફ્રેન્ડ્ઝને મેનેજ કરવા માટે ગૂગલ પ્લસમાં Circleનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ફેસબુક કરતાં અહીં અલગ એ છે કે તમે કોઈ વ્યક્તિગત મિત્ર સાથે કોઈ પણ માહિતી શેર કરી શકતાં નથી અને ફક્ત સર્કલ મુજબ જ માહિતી શેર કરી શકાય છે. એટલે કે ફેસબુકની જેમ તમે અહીં કોઈ મિત્રની વોલ પર પોસ્ટ કરી શકશો નહીં. આ વિભાગમાં તમે તમારી ઈચ્છા મુજબના સર્કલ ઉમેરી શકો છો વળી, તમારા મિત્ર કે અન્ય કોઈએ તમને તેમના ફ્રેન્ડ સર્કલમાં એડ કર્યા છે કે નહીં તેની પણ માહિતી આપે છે.

પ્લસ પોઈન્ટ - ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી ખરેખર સરળતાનો એક ઝક્કાસ અનુભવ કરાવે છે.

Stream
ગૂગલ પ્લસમાં લોગઈન થતાંની સાથે જ હોમ સ્ક્રીન પર ફ્રેન્ડ્ઝની અપડેટ્સ જોવા મળતી વચ્ચેનો ભાગ Stream બતાવે છે (ફેસબુકમાં News Feed / Wall). અહીં આપેલા બોક્સમાં તમે મેસેજની સાથે સાથે બાજુના બટન પર ક્લિક કરીને ફોટો, વિડીયો, લિન્ક તેમ જ લોકેશન પણ શેર કરી શકો છો. વિડીયો શેરિંગના ચાહકો માટે યુટયુબ અને ડાયરેક્ટ ફોનમાંથી વિડીયો શેર કરવાના ઓપ્શન તેમને વધુ રોમાંચિત કરી મૂકશે. આ ઉપરાંત શેર કરતી વખતે તમે જે-તે Stream પોસ્ટ કોની સાથે શેર કરી શકો (ફક્ત સર્કલ મુજબ) તે પણ સિલેક્ટ કરી શકો છો. વળી, ડાબી બાજુમાં પણ Stream હેડિંગની હેઠળ તમારા Circleના નામ દેખાય છે જેના પર ક્લિક કરીને જે-તે સર્કલ મુજબ સ્ટ્રીમ પોસ્ટ જોઈ શકાય છે.

પ્લસ પોઈન્ટ - રિયલ ટાઈમ ફોટો અને વિડીયો પણ શેર કરી શકાય તેમ જ લોકેશન પણ અહીંથી જ સિલેક્ટ કરી શકાય છે. તમારી પોસ્ટ અન્ય કોઈ શેર ન કરી શકે તેની માટે પણ તમે પોસ્ટની જમણી બાજુના 'એરો'ના બટન પર ક્લિક કરીને Disable reshare પણ કરી શકો છો.

ગૂગલ પ્લસમાં ફોટો શેરિંગ માટે ઘણાં ઓપ્શન આપવામાં આવ્યાં છે. જ્યાં તમે ડાયરેક્ટ ફોટો અપલોડ કરી શકો છો તેમ જ તમારા પિકાસા આલબમ કે ગૂગલ પ્રોફાઈલમાં અપલડો કરેલા આલબમમાંથી પણ ફોટો સિલેક્ટ કરીને શેર કરી શકાય છે.  આ ઉપરાંત આ વિભાગમાં તમે તમારા સર્કલમાંથી મિત્રોએ કરેલા અપલોડ કરેલા ફોટો માટેનું પણ એક અલગ સેક્શન આપવામાં આવ્યું છે.

પ્લસ પોઈન્ટ - મોબાઈલમાંથી ઈન્સ્ટન્ટ ફોટો અપલોડ કરી શકાય છે, તેમ જ ફક્ત સર્કલમાંના મિત્રોએ અપલોડ કરેલા ફોટો જોવા માટેનું અલગ ઓપ્શન

Hangouts
મિત્રોને મળવા માટે આજની જનરેશનનો પોતાનો અલાયદા શબ્દ 'હેંગઆઉટ' પરથી જ રાખવામાં આવેલી આ ર્સિવસનું કામ પણ એ જ છે અને એ પણ આજની જનરેશનની ફેવરિટ વર્ચ્યુઅલ સ્ટાઈલમાં. Hangouts માં તમે તમારા કોઈ પણ સર્કલ સાથે વિડીયો ચેટિંગ કરી શકો છો. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગૂગલ એક સોફ્ટવેર સૌપ્રથમ ઈન્સ્ટોલ કરે છે ત્યાર બાદ વિડીયો ચેટિંગ કરી શકાય છે. જ્યારે તમે કોઈને પણ હેંગઆઉટ માટે આમંત્રણ આપો છો ત્યારે જેટલાં મિત્રો હેંગઆઉટમાં હાજર હશે તેમની સ્ટ્રીમમાં પોસ્ટ તરીકે આમંત્રણ જશે. કોઈ એક વ્યક્તિ ગમે ત્યારે હેંગઆઉટ શરૂ કરી શકે છે અને તેની એક લિંક બને છે જેના દ્વારા અન્ય કોઈને પણ આમંત્રણ આપી શકાય છે. યાદ રાખો કે હેંગઆઉટ દરમ્યાન જો તમને કોઈ પસંદ ન હોય તો તમે તેને બહાર કાઢી નથી શકતાં બલ્કે તમને પસંદ ન હોય તો તમારે જ ત્યાંથી અલવિદા કહેવું પડશે.

પ્લસ પોઈન્ટ - હેંગઆઉટ ફીચર જ પ્લસ પોઈન્ટ છે.

Chat
ફેસબુકમાં જે લોકો ચેટિંગના રસિયાઓ છે તેમને અહીં સૌપ્રથમ ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટ કરવા માટે ગૂગલ પ્લસના ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા માટે થોડી તકલીફ જણાતી હશે. પરંતુ  ગૂગલ પ્લસે તમને અહીં ફક્ત ગૂગલ પ્લસના ફ્રેન્ડ નહીં પરંતુ Gtalk, gmail, igoogle અને Orkut ના મિત્રો સાથે પણ ચેટિંગ કરી શકાય તેવું અલાયદું હોમપેજ ઉપર ડાબી બાજુ ચેટ બોક્સ આપ્યું છે. જેમાં તમે ફ્રેન્ડને ઓનલાઈન જોઈ શકો છો. જે ફ્રેન્ડ ન દેખાતો હોય તેને ચેટ માટે આમંત્રણ પણ ત્યાંથી સરળતાથી આપી શકાય છે.

+ પોઈન્ટ - ગૂગલ પ્લસ સિવાયના પણ જે અત્યાર સુધી જીમેલ અને જીટોક પર હતા તેની સાથે પણ અહીંથી જ ચેટ કરી શકાય છે. વળી, ઓફલાઈન રહીને પણ ચેટિંગ થઈ શકે છે તે ફાયદામાં વળી, વિડીયો કે વોઈસ ચેટ પણ વન-ટુ-વન કરી શકાય છે.

Sparks
આ વિભાગ ખાસ કરીને તમને ગમતા વિષય પર માહિતી મેળવવા માટે છે. જેમાં 'સ્પાર્ક્સ' વિભાગમાં તમે જે કેટેગરી સિલેક્ટ કરો તે મુજબ જે-તે સ્ટોરી તમારા 'સ્ટ્રીમ' સ્ક્રીન પર દેખાતી રહેતી હોય છે. જો તમે ઈચ્છો તે સ્ટોરી તમે શેર બટન દ્વારા અન્ય સાથે પણ શેર કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા પોતાનો વિષય પણ ત્યાં એન્ટર કરીને તેને તમારા સ્પાર્ક્સ વિભાગમાં એડ તેમ જ રિમૂવ પણ કરી શકો છો.

+ પોઈન્ટ - ગૂગલ પાસે ઇન્ટરનેટની માહિતીનો અવિરત ખજાનો હોવાથી તેટલી પસંદગીના વિષય પર વધુ માહિતી મળી રહેશે.

Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement