આજના ઈન્ટરનેટના યુગમાં ઓનલાઈન રેપ્યુટેશન (આઈડેન્ટિટી)ની સાચવણી ચિંતાજનક બની છે. ગૂગલે પબ્લિક માટે સાર્વજનિક રીતે પોતાની ઓનલાઈન આઈડેન્ટિટી મેનેજ કરવા માટે "Me on the web"નામની સેવા શરૂ કરી છે.

ગૂગલ સર્ચ એટલી હદે વિકસ્યું છે કે પ્રેગ્નન્ટ કેવી રીતે થવાય તેમજ પેશનટ કિસ કેવી રીતે કરી શકાય તેની ટિપ્સ પણ લોકો તેના પર જ સર્ચ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકો ગૂગલનો ન જાણે બીજાં અન્ય કામ જેવાં કે એડ્રેસ, શબ્દ, ફ્રેન્ડ્ઝ શોધવા વગેરે માટે પણ કરતાં હોય છે. તમને પણ ખ્યાલ નહીં હોય કે તમારી કેટલી માહિતી ગૂગલ પર આમ જ સર્ચ કરતાં સરળતાથી મળી જતી હશે. વિશ્વાસ ન આવતો હોય તો જરા તમારા નામ અથવા અન્ય માહિતી સર્ચ કરી જુઓ તો ગૂગલમાં. બસ, ગૂગલમાં તમારી જાણબહાર મુકાયેલી કે મળતી માહિતી જોઈને બની શકે કે તમે આનંદ અથવા તો નવાઈની લાગણી અનુભવી શકો છો. વળી, તમારું નામ અને માહિતી ગૂગલ સિવાય અન્ય વેબસાઈટમાં પણ ક્યાંક પબ્લિશ થયેલું હોઈ શકે છે તે યાદ રહે.
ઓનલાઈન રેપ્યુટેશન એટલે કે તમારું કે તમારી કંપનીના નામ અને માહિતી દ્વારા સ્થાપિત થયેલી ઓનલાઈન ઓળખ. જો કે ઓપન ઈન્ટરનેટમાં ડર રહેતો હોય છે કે કોણ જાણે તમારા વિશે કે તમારી કંપની વિશે કોઈ પણ વ્યક્તિ ગમે તે વેબસાઈટમાં ફોરમ, બ્લોગ ગમે ત્યાં પબ્લિશ કરી શકે છે. ઈન્ટરનેટ પર પ્રાઈવસી હંમેશાં વિવાદનો મુદ્દો રહ્યો છે, કારણ કે ઈન્ટરનેટ ઓપન વાતાવરણમાં કોઈ પણ રોક-ટોક નથી કે નથી કોઈ પણ મર્યાદા. કદાચ, આ જ કારણસર ઘણાં લોકો ઈન્ટરનેટને આઝાદી ગણે છે તો કેટલાંક આ જ આઝાદીના ગેરફાયદા છે તેમ માનતા હોય છે. વાત બંને પક્ષે સાચી છે, કોઈ પણ બાબતની અમુક હદે મર્યાદા તેમજ અંકુશ જરૂરી તેમજ સલામતપૂર્વક છે. આવામાં ખાસ કરીને ઈન્ટરનેટ જ્યારે વધુપડતું ઓપન હોવાના કારણે પોતાની માહિતીને જાહેરમાં પબ્લિશ થતી રોકીને પ્રાઈવસી જાળવવાનો પ્રયાસ કરવો જ રહ્યો. હવે પ્રશ્ન એ છે કે આટલા મોટાં ઈન્ટરનેટના દરિયામાં મોતીરૂપ તમારી માહિતી શોધવાનું કામ કોઈ લોઢાના ચણા ચાવવાથી ઓછું નથી. બટ, ડોન્ટ વરી, કારણ કે હરહંમેશની જેમ આ સમસ્યાના નિવારણ માટે પણ નેટીઝનોની મદદે આવ્યું છે.
ગૂગલે હાલમાં જ Me on the web નામની સેવા શરૂ કરી છે જે ઈન્ટરનેટ યુઝરને પોતાની માહિતી ગૂગલ સિવાય અન્ય કઈ વેબસાઈટ પર પબ્લિશ થયેલી છે તે શોધી આપે છે. જો કે આ માટે તમારું કોઈ પણ ગૂગલ એકાઉન્ટ જરૂરી હોય છે. ગૂગલના ડેશબોર્ડ (www.google.com/ dashboard) પર આ ટૂલનું ઓપ્શન જોઈ શકાય છે. જ્યાં તમે તમારી ઓનલાઈન આઈડેન્ટિટી મેનેજ કરી શકો છો. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે ગૂગલ એલર્ટ્સ દ્વારા તમે તમારાં નામ, ઈમેલ એડ્ર્સ કે અન્ય કોઈ કી-વર્ડની માહિતી જો ગૂગલ કે અન્ય વેબસાઈટમાં પબ્લિશ થાય તો તેની તમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે.
કેવી રીતે કામ કરે છે ગૂગલનું "મી ઓન ધ વેબ"?
ગૂગલની આ સેવાનો લાભ લેવા માટે તમારું ગૂગલનું જીમેલ એકાઉન્ટ કે ગૂગલ પ્રોફાઈલ (profile.google.com) હોવું જરૂરી છે. ગૂગલ તમારા આ એકાઉન્ટમાં આપેલી માહિતીના આધારે ગૂગલ પર કે અન્ય વેબસાઈટ પર તમારી માહિતીને મેચ કરીને તમને શોધી આપે છે. આ માટે જ ગૂગલ આ સેવાનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે ગૂગલ પ્રોફાઈલમાં બને તેટલી માહિતી ભરીને અપડેટ કરવાની સલાહ આપતું હોય છે જેથી તે બને તેટલી વધુ માહિતી મેચ કરીને તમારી દરેક માહિતીથી તમને માહિતગાર કરી શકે. આ ઉપરાંત આ ટૂલ દ્વારા તમે જે-તે પબ્લિશ થયેલી માહિતીને કેવી રીતે દૂર કરી શકાય તેની માહિતી પણ આપવામાં આવી છે.
આઈડેન્ટિટી મેનેજમેન્ટ કેમ ઉપયોગી?
- કંપની કે ધંધાદારી વ્યક્તિ માટે કે જેમની માહિતી ધંધાર્થે પબ્લિશ કરવામાં આવતી હોય છે. આવામાં બિઝનેસ હરીફ, ફરિયાદી અથવા તો અન્ય કોઈ પણ વિનાકારણે કંપની કે ધંધા વિશે ખરાબ કે ખોટી માહિતી પબ્લિશ કરે ત્યારે તેને દૂર કરવા માટે.
- બ્લોગ કે ફોરમ જેવા ઓપન પ્લેટફોર્મ પર પબ્લિશ થયેલી ખોટી માહિતીને દૂર કરવા માટે.
- તમારા ફોટો, સ્કૂલ, જોબ, રહેઠાણ વગેરેની માહિતી ખોટી રીતે કોઈ પબ્લિશ ન થાય તેમજ થાય તો તેની તુરંત જ જાણ થાય તે માટે.
- ઈન્ટરનેટ પર તમારી માહિતીને પબ્લિશ થતાં કન્ટ્રોલ કરવા માટે.
- આપણે જેમ સમાજમાં આપણી આબરૂ-રેપ્યુટેશન જાળવવા માટે મથામણ કરતાં હોઈએ છીએ ત્યારે આજે ઓફલાઈન સમકક્ષ ઓનલાઈન પણ એક સમાજ વર્ગ ઊભો થયો છે ત્યારે ઓનલાઈન આઈડેન્ટિટી મેનેજ કરીને તમારી ઓનલાઈન રેપ્યુટેશન જાળવવી જ રહી. વળી, આ ટૂલ દ્વારા તમે પ્રાઈવસી પ્રેમીઓ માટે પોતાની પ્રાઈવસી જાળવવાનો હેતુ પણ સર થઈ શકશે તેમજ અન્ય લોકો માટે સલામતીનું પગલું સાબિત થશે.
Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=302956
કૃણાલભાઈ , તમારા આર્ટીકલ સંદેશમાં હું નિયમીત વાંચું છું. આજે તમારો બ્લોગ પણ વાંચ્યો ખરેખર માહિતીસભર બ્લોગ છે આમ જ ઈન્ટરનેટ વીશે માહીતી આપતા રહેશો.
ReplyDelete