ફોટોની વાત કરીએ એટલે આપણા મગજમાં ૧૦ x ૧૫ના ફેમિલી સાઈઝ ફોટોની ઈમેજ ક્લિક થવા માંડે ખરું ને. પરંતુ બોસ, અહીં પાસપોર્ટ, ફેમિલી કે રેગ્યુલર સાઈઝના ફોટોની વાત કરીને કોલમની જગ્યા બગાડવાની નથી. અહીં વાત થાય છે પોસ્ટર અને હોર્ડીંગ્સ સાઈઝથી પણ મોટા એવા સુપર હાઈ રિઝ્યોલ્યુશન ફોટોની જે વિશ્વમાં અત્યાર સુધી (ડિસેમ્બર ૦૯) નો લાંબામાં લાંબો ગોળાકાર ફોટો છે.
વિસ્તારપૂર્વક કહીએ તો 360 Cities નામની ચેક રિપબ્લીકની ફોટોગ્રાફી કંપનીએ વિશ્વના સૌથી લાંબો ગોળાકાર ફોટો બનાવવાનું સાહસ કર્યું. જાણીતા શહેર પ્રેગ્યુના ઝિઝકોવ ટીવી ટાવર (૨૧૬ મીટર ઊંચાઈ જેના પરથી ૧૦૦ કિલોમીટર સુધી દૂર અંતરે દેખી શકાય છે) ના ટોપ પરથી ઓક્ટોબર ૨૦૦૯માં હજારો ફોટો જુદી જુદી દિશામાં પાડવામાં આવ્યાં. ત્યાર બાદ આ દરેક ફોટોને જોડીને દરેક દિશામાં દેખી શકાય તેવા ગોળાકાર એક જ ફોટોમાં તબદીલ કરવામાં આવ્યો.
આ સુપર હાઈ રિઝ્યોલ્યુશન ફોટો 1,92,000 pixels પહોળો અને 96,000 pixels ઊંચો છે. જે કુલ 18.4 gigapixels ધરાવે છે. જો કે તમે મોબાઈલ કે કેમેરામાં 1.2, 2.5, 5 કે 9 Megapixels સાઈઝનો ઉપયોગ તો કર્યો જ હશે એટલે મેગા અને ગીગા પિક્સલનો મુદ્દો ચર્ચા કરવા જેવો લાગતો નથી. અને તેમ છતાં સીધે સીધી વાત કરીએ તો ટીવી ટાવર પરથી ખેંચેલા આ ફોટોમાં તમે ટાવર પરથી નીચે પડેલી કારનો નંબર પણ વાંચી શકો એટલા zooming લેવલનો ફોટો. સૌથી રસપ્રદ વાત કરીએ તો જો આ ફોટોની રેગ્યુલર સાઈઝ (૩૦૦ dpi માં) પ્રિન્ટ કાઢવામાં આવે તો મહાભારતમાં જેમ દુશાષને દ્રોપદીની સાડી ખેંચતા ખેંચતા જેટલો ઢગલો કર્યો હતો તેટલો એટલે કે ૧૬ મીટર લાં......બો થાય. બોલો થઈ ગઈને જીભ લાંબી ને આંખો પહોળી!
ડિજીટલ SLR કેમેરા અને 70-200 mm ના લેન્સનો ઉપયોગ કરી રોબોટિક ડિવાઈઝ દ્વારા ટાવર પરથી ફોટો પાડવામાં આવ્યાં. જેમાં આ ડિવાઈઝ ઝીણાં અને ચોક્કસ અંતરે ગોળાકાર દિશામાં ફરીને ઈમેજો ક્લિક કરતું રહે છે. આ બધાં ફોટોની કોમ્પ્યુટરમાં સેવ કરવાની સાઈઝ ગણીઅ તો 40gb થાય એટલે કોમ્પ્યુટરની એક આખી હાર્ડ ડિસ્ક ખાઈ જાય એટલી બોલો. દરેક ફોટોને ત્યાર બાદ PTGui નામના સોફ્ટ્વેરથી એક જ ફોટોમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો જેને લગભગ એક સપ્તાહ જોડવામાં લાગ્યું જ્યારે ૩ સપ્તાહ જેટલો સમય તેને ફાઈનલ ટચ આપવામાં લાગ્યો. નવાઈની વાત તો એ છે કે આ બધું એક ચાર વર્ષ જૂનાં બિલ્લુ કાકા (બિલ ગેટ્સ)ના વિન્ડોઝ PC Single – Core 3 GHz Xeon કોમ્પ્યુટર પર કરવામાં આવ્યું છે.
હવે આટલું વાંચ્યા પછી વધુ વાંચવા કરતાં આ ફોટોને જોવાની તમારા મનમાં થયેલી તીવ્ર ઈચ્છાના જન્મને ધ્યાનમાં રાખતાં મહત્ત્વની વાત કરીએ તો આ ફોટોને નિહાળવા માટે કંપનીએ સંપૂર્ણ ફોટો ઓનલાઈન http://www.360cities.net/prague-18-gigapixels પર મૂક્યો છે. એક એક ફોટોના હજ્જારો ટૂકડાં કરી તેને ઓનલાઈન મૂકાયો છે જેથી ઈન્ટરનેટ પર લોડીંગ થવામાં સમય તેમ જ મુશ્કેલી ન થાય. જો કે આ સંપૂર્ણ ગોળાકાર ફોટોની ફાઈનલ સાઈઝ 120gb Photoshop large (PSB) ફાઈલ બનેલી છે કારણકે આટલી મસમોટી સાઈઝ જોઈને હાંફી જતાં Tiff કે JPEG એ તો પોતોના ફોર્મેટમાં જ સમાવવાની ના પાડી દીધી.
વિશ્વના સૌથી ટેલેન્ટેડ ફોટોગ્રાફર્સ દ્વારા કંડારાયેલી હજારો તસ્વીરની આ એક તસ્વીરને નિહાળવી ખરેખર એક લ્હાવાથી કમ નથી.
06/01/2010 - Covered in Sandesh - A Leading Gujarati Newspaper (Ardha Saptahik Supplement)
No comments:
Post a Comment