Index Labels

Which blast is more dangerous? Underwater or on land?

. . No comments:

કયો બ્લાસ્ટ વધુ ખતરનાક? પાણીની અંદર કે બહાર?

પાણી અને જમીન પર બ્લાસ્ટ થાય ત્યારે તમે બચવા માટે પાણીમાં કૂદકો લગાવો છો તો તમારા માટે વધુ જાનહાનિ થઈ શકે છે. કારણકે અન્ડર-વૉટર બ્લાસ્ટ વધુ શક્તિશાળી હોય છે જેનો આપણે તાજેતરમાં જ મુંબઈ ડોકયાર્ડમાં સબમરિનમાં થયેલા બ્લાસ્ટ દ્વારા તાકાતનો પરચો જોઈ ચૂક્યાં છીએ.

તમે સ્વિમિંગ પૂલની બહાર સ્નાન કરીને આરામખુરશી પર સૂર્યના મીઠા તડકાંની મજા લઈ રહ્યાં છો ત્યારે અચાનક જ ખુરશીની બાજુમાંથી કોઈ ધાતુ રગડીને પાણીમાં ધબાક કરતી પડે છે. જ્યારે બીજી બાજુ એક ધાતુ તમારી ખુરશીની બાજુમાં જ આવીને પડે છે. હવે તમને ખબર પડે કે આ ધાતુ બીજી કોઈ નહીં પરંતુ હૅન્ડ-ગ્રિનેડ (હાથફેંક સ્ફોટક ગોળો) છે અને બંને બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે ત્યારે હવે તમે શું કરશો? આવી પરિસ્થિતિમાં તમારી પાસે બે વિકલ્પ રહે છે 1) તમે પૂલમાં ઝંપલાવી દો કાં તો 2) જલદીથી તમારી ખુરશીમાંથી ઉતરીને જમીન પર સપાટ સૂઈ જાઓ.



જમીન કરતાં ઓછી જાનહાનિ થાય તે માટે તમે પાણીના પૂલમાં ઝંપલાવવાનું પસંદ કરો છો, તો તમારી માટે ખરાબ સમાચાર છે. તમારો આ નિર્ણય વધુ ઘાતકી નીવડી શકે છે. કારણકે પાણીની અંદર થતો ધમાકો (અન્ડરવૉટર એક્સ્પ્લોઝન) જે UNDEX તરીકે પણ ઓળખાય છે તે ખરેખર વધુ ખતરનાક અને જાનલેવા હોય છે.

આપણે તાજેતરમાં જ મુંબઈ ડોકયાર્ડમાં સબમરિનમાં થયેલા બ્લાસ્ટ દ્વારા પાણીની અંદર થતા બ્લાસ્ટની તાકાતનો પરચો જોઈ ચૂક્યાં છીએ. જેમાં સબમરિનમાં સવાર અઢારેય અઢાર જળસેનાના જવાનોના મોત થયાં હતાં જ્યારે સબમરિનની તો ઓળખ પણ થઈ ન શકે તેવા હાલ થયો હતો. કારણકે અન્ડર-વૉટર થતો વિસ્ફોટ વધુ પ્રચંડ બને છે તેમ જ અંદાજા બહાર નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે. એમાં પણ સબમરિન અંદાજે 800 ફૂટ પાણીની નીચે સરકતી હોય છે તેથી ઊંડાણના કારણે વિસ્ફોટ વધુ જીવલેણ બને છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે પાણીની બહાર વાતાવરણમાં હવાને કમ્પ્રેસ કરી શકાય છે પરંતુ જ્યારે પાણીને કમ્પ્રેસ કરવું જ્યારે લગભગ અશક્ય છે.  તેથી પાણીનો અંદરનો વિસ્ફોટ દબાણ સાથે વધુ શક્તિશાળી બનીને વધુમાં વધુ નુકસાન પહોંચાડે છે.
અન્ડર-વૉટર થતા વિસ્ફોટની રચના કેવી હોય છે?

દરેક વિસ્ફોટક પદાર્થમાં એવાં તત્વો હોય છે જે ખૂબ જ ઝડપથી સળગવાની તેમ જ તેમાંથી ઘટકતત્વો ઝડપથી છૂટાં પડવાની તાકાત ધરાવે છે. વિસ્ફોટકમાં વિસ્ફોટ સમયે એક પ્રકારની રસાયણિક પ્રક્રિયા થતી હોય છે જેમાં ખૂબ જ ટૂંક સમય માટે વિપુલ પ્રમાણમાં ગરમી અને વાયુ પેદા કરે છે. વિસ્ફોટક રસાયણ પ્રક્રિયા દ્વારા સંયોજક તત્વોને તોડી પાડીને છૂટાં પાડે છે અને પાવરફુલ કમ્પ્રેસ્ડ ગેસનું સર્જન કરે છે. આ સાથે સાથે એટલી ગરમી પણ પેદા કરે છે જે સંયુક્ત કણોને છૂટાં પાડીને વિસ્ફોટ પેદા કરે છે. આમ વિસ્ફોટ થવાથી ગેસ ખૂબ જ ઝડપથી હવામાં ફેલાય છે તો ગરમી ગેસના સૂક્ષ્મકણોને ઝડપથી ફેલાવવામાં વધુ મદદ કરે છે.

તેજ ગતિએથી ફેલાતા ગેસને ‘પ્રેશર વેવ’ કહે છે જે વિનાશક વિસ્ફોટકનું મુખ્ય હથિયાર છે. જો પ્રેશર વેવ અવાજને અવરોધ કરતી વસ્તુઓને તોડી શકવા માટે સમર્થ હોય તો તે શક્તિશાળી ‘શૉક વેવ’ પેદા કરે છે. જમીન પર થતો વિસ્ફોટ વાતાવરણની હવા દ્વારા વિસ્ફોટકના પદાર્થોથી તમારી ચામડીને બાળી શકે છે અને શરીરના બોમ્બની ઊડતી કરચો અવયવોને ચીરી નાંખે છે. પરંતુ જ્યારે પ્રેશર હવા સાથે મળીને જીવતંત્ર એટલે માનવશરીર સાથે જોડાય છે ત્યારે શરીર સાથે અથડાતાં વધુ શક્તિ પેદા થાય છે. આમ થવાનું કારણ બંનેમાં ઘનતાનો તફાવત છે. કારણકે ફરતા વાયુ કરતાં સોલિડ સ્કીનમાં સૂક્ષ્મકણો વધુ એકસાથે રહેલાં હોય છે. તેમ છતાં તમારા શરીરમાં ગેસની હાજરી હોય છે એટલે કે પ્રેશર વેવ દરમ્યાન જેટલી ગેસમાં ફેલાય છે તેટલી જ ઘનતા રહે છે. પ્રેશર વેવ જ્યારે શરીર સાથે અથડાય છે ત્યારે મોટાભાગના સૂક્ષ્મકણો પરાવર્તિત થાય છે જેમાંના કેટલાંક કણો શરીરના અંદરના ગેસને કમ્પ્રેસ કરવામાં સફળ થાય છે. પરિણામે વ્યક્તિના શરીરને વિસ્ફોટની પ્રાથમિક ઈજા પહોંચે છે. આ ઈજામાં મુખ્યત્વે રક્તવાહિનીઓ અને સ્નાયુઓને ચીરી નાંખે છે.

હવે પાણી અને વાતાવારણમાં થતાં વિસ્ફોટ વિશે વાત કરીએ તો જ્યારે હવાથી ઘેરાયેલો વિસ્ફોટ જેમાં વાતાવરણ વિસ્ફોટની શક્તિને કમ્પ્રેસ અને શોષી લે છે જેથી તેના વિસ્ફોટની અસરનો ક્ષેત્રવિસ્તાર ઓછો થઈ જાય છે. જ્યારે પાણી જેના પર ટેકનિકલી દબાણ લાવીને થોડી જગ્યામાં (incompressible) લાવવું અશક્ય હોય છે. તેના પર દબાણ લાવી શકાય છે પરંતુ તેની માટે વિપુલ પ્રમાણનું દબાણ જોઈએ અને તે પણ ફક્ત થોડાં પ્રમાણમાં જ પાણીને કમ્પ્રેસ કરી શકે છે. જેનો સીધો અર્થ એ થાય છે કે પાણીની અંદર થતો વિસ્ફોટ વાતાવરણમાંની હવાની જેમ વિસ્ફોટ શક્તિને (ક્ષેત્રવિસ્તાર) ઓછી કરી શકતી નથી. ઉલ્ટાનું પાણીના પરપોટાં અને પ્રવાહ વિસ્ફોટની તાકાતને પૂરજોશથી આગળ વધારે છે. આમ અન્ડર-વૉટર વિસ્ફોટ દૂર અંતર સુધી પોતાની શક્તિનો પરચો બતાવી શકે છે.

હવે જ્યારે જો તમે વિસ્ફોટ દરમ્યાન ઉડતી કરચોની રેન્જ બહાર ઊભા છો તો તમને ઈજા થવાની સંભાવના નહિવત્ થઈ જાય છે. પરંતુ જો તમે આ જ રેન્જમાં પાણીની અંદર છો તો પાણીમાં પેદા થતું દબાણ તમારા મૃત્યુ માટે સક્ષમ છે. જ્યારે આ દબાણ દ્વારા પેદા થતાં મોજાં તમારી ચામડી સુધી પહોંચે છે અને તમારામાંથી પસાર થાય છે. ત્યાર બાદ આ દબાણની શક્તિ પરાવર્ત થાય છે કારણકે તમારા શરીર અને પાણીની ઘનતા એક જ પ્રકારની હોય છે. મોજાં તમારા શરીરમાં હવાથી ભરેલી જગ્યાઓમાં અથડાશે અને તુરંત જ હવાને કમ્પ્રેસ કરવા લાગશે. આમ થવાના કારણે રક્તવાહિનીઓ બ્લૉક થઈ શકે છે, ફેફસાં ફાટી શકે છે, અંદરના સ્નાયુઓને ચીરાઈ શકે છે અને મગજમાં હેમોરહેજ થઈ જવાની શક્યતા રહે છે. આ મોજાંઓ પાણીની સપાટી પર અથવા તો પાણીની અંદર અથડાય ત્યારે વળતાં ઊછાળાં મારે છે જે વધુ ભયંકર સાબિત થઈ શકે છે.

પાણીની અંદર વિસ્ફોટ થતાં પાણીના પરપોટાં દ્વારા વિસ્ફોટ સુપર સૉનિક સ્પીડથી ફેલાવા લાગે છે. આમ દરેક વખતે પરપોટાંની સાઈઝ ડબલ થતી જાય છે અને દર વખતે 8 ગણા પ્રેશર દ્વારા પાણી આગળ ધકેલાય છે. આ પ્રકારે તુરંત જ વિસ્ફોટ પોતાની શક્તિ ગમાવતું જાય છે અને વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો આગળ વધે છે.
અન્ડર-વૉટર બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે શું થાય છે?
  • 1946માં અમેરિકાએ ‘ઓપરેશન ક્રોસરોડ્સ’ હેઠળ ન્યૂક્લિઅર બોમ્બનો ટેસ્ટ કર્યો હતો જેમાં આ અન્ડર-વૉટર આ બ્લાસ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.  આ બ્લાસ્ટથી સર્જાયેલા પરિણામો અને દ્રશ્યો પાણીના અંદર થતા વિસ્ફોટની પ્રચંડ શક્તિના દર્શન કરાવ્યાં હતાં. આ બ્લાસ્ટથી 20 લાખ ટન જેટલું પાણી અને રેતી હવામાં ઉડી હતી જેમાં 6000 ફૂટ ઊંચો અને 2000 ફૂટ પહોળો એક કોલમ બન્યો હતો જે 300 ફૂટની દિવાલ જેટલો જાડો હતો.
Image : Wikipedia
  • પાણીની અંદર થતો બ્લાસ્ટ એટલો શક્તિશાળી હોય છે કે તે પાણીની અંદર રહેલા જીવની સાથે સાથે સબમરિન જેવી ચીજોને પણ નષ્ટ કરી શકે છે.
  • એક પ્રયોગ દરમ્યાન જોવા મળ્યું હતું કે પાણીની અંદર થયેલા જોરદાર વિસ્ફોટના કારણે પેદા થયેલાં મોજાંઓ દૂર ઊભેલા જહાજને ગળી ગયું હતું.
  • પાણીની અંદર થતો બ્લાસ્ટ  પાણીની સપાટી ઉપર અને પાણીની અંદર બંને માટે ખતરનાક નીવડી શકતું હોય છે.
  • 1958માં ‘ઓપરેશન હાર્ડટેક’ દરમ્યાન 500 ફૂટ પાણીની નીચે કરાયેલા પ્રયોગ દરમ્યાન બ્લાસ્ટથી 900 ફૂટનો ઊંચો પાણીનો ડોમ સર્જાયો હતો.
ટોપ 10 અદ્ભુત અન્ડર-વૉટર જ્વાળામુખી

દુનિયાભરમાં અંદાજે 5000 જેટલાં અન્ડર-વૉટર જ્વાળામુખી ધરતીના પેટાળને ગરમ કરી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી ઊંચો જ્વાળામુખી અમેરિકામાં હવાઈનો મૌના કી અથવા વ્હાઈટ માઉન્ટેન છે જેની ઊંચાઈ 47000 ફૂટ છે. જ્યારે તે દરિયાથી નીચે પણ આવો નજર કરીએ 10 અન્ડર-વૉટરના જ્વાળામુખીના પેટાળમાં

1. મોલોકિની ક્રૅટર, હવાઈ (અમેરિકા)
હવાઈમાં આવેલો બીજના ચંદ્ર આકારનો આ જ્વાળામુખી આજે સ્કુબા () ડાઈવર્સ, મરજીવાઓ અને દરિયાઈ પક્ષીઓ માટે પ્રિય બની ગઈ છે. આ જ્વાળામુખી તેની પરાકાષ્ઠા પર પહોંચે ત્યારે તેના પેટાળમાંથી નીકળેલા લાવાથી ઘણાં નાના-મોટા ટાપુઓ બને છે.
2. મૉરો રૉક, કેલિફોર્નિયા
આ જ્વાળામુખી કેલિફોર્નિયામાં આવેલા ‘નાઈન સિસ્ટર્સ’ (લાઈનમાં આવેલા 9 જ્વાળામુખી) જે 20 લાખ વર્ષ પહેલાં બન્યાં હતાં તેમાંનો એક ભાગ છે. સબમરિન (પાણીની સપાટીનો નીચેનો) જ્વાળામુખી ફાટતાં પાણી સાથે સંપર્ક થતાં એક વિશાળ ખડકનું સર્જન થયું હતું અને આશ્ર્ચર્યજનક રીતે જ્વાળામુખીના ટોપ પર બેસી ગયો હતો. શેમ્પેઇન જેવા આ જ્વાળામુખીમાં હવે વિસ્ફોટ થવાની શક્યતા નહિવત્ થઈ ગઈ છે કારણકે હવે તે સક્રિય રહ્યો નથી.
3. સર્ટસિ ટાપુ, આઈસલૅન્ડ
આ ટાપુ એક જ્વાળામુખી હતો અને 1963માં જ્યારે આ ફાટ્યો હતો ત્યારે દરિયાઈ લેવલથી 130 મીટર ઊંચે જ્વાળાઓ પહોંચી હતી. આ બાદ તે ટાપુમાં તબદિલ થઈ ગયો હતો. આ સૌથી નવો ટાપુ બન્યો હોવાથી ભૂસ્તરશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી અને જીવવિજ્ઞાનીઓ માટે અભ્યાસ કરવા માટેનું આદર્શ સ્થળ બની ગયું છે. યુનેસ્કોએ આ ટાપુને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે.
4. ઍલ્ડફેલ વૉલ્કેનો, હેઈમાઈ ટાપુ, આઈસલેન્ડ
1973માં જ્યારે આ જ્વાળામુખી ફાટ્યો ત્યારે હેઈમાઈ બંદરને એક સમયે બંધ કરવાનો સમય આવી ગયો હતો. જ્વાળામુખીમાંથી ટાપુ બનેલો આ આઈસલેન્ડનો સૌથી મોટો ટાપુ છે.
5. ઇવે ડીમા, જપાન
જપાનમાં પેસેફિક મહાસાગરમાં આવેલો આ જ્વાળામુખી વર્ષ 2005માં ફાટ્યો હતો ત્યારે 1 કિ.મી વ્યાસનો વાયુગોળો સર્જાયો હતો. દરિયાની નજીક આવેલા જપાનના આર્મી સ્ટેશનને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
6. બ્રધર્સ વૉલ્કેનો, ન્યૂઝીલેન્ડ
આ જ્વાળામુખી ન્યૂઝીલેન્ડમાં આવેલા ઉત્તરપૂર્વીય 400 કિમીના કર્માડેક ટાપુનો ભાગ છે જે દરિયાઈ સપાટીથી 1850 મીટર અંદર પોતાના મૂળિયા સાથે ફેલાયેલો છે. આ જ્વાળામુખીની સૌથી રસપ્રદ વાત તેની 3 કિમી પહોળી અને 300થી 500 મીટર ઊંચી દિવાલો છે જે જ્વાળામુખીના વિસ્ફોટ દરમ્યાન 37000 થી 51000 વર્ષો પહેલાં સર્જાઈ હતી.
7. હીલે વૉલ્કેનો, ન્યૂઝીલેન્ડ
આ અન્ય એક જ્વાળામુખી છે જે કર્માડેક ટાપુ પર જ આવેલો છે.
8.    NW-Rota 1, જપાન
જપાનનો આ એક વધુ એક જ્વાળામુખી છે એપ્રિલ 2006માં સક્રિય થયો હતો અને જેમાંથી વિપુલ પ્રમાણમાં ગેસ અને આગ નીકળી હતી.
9.    કિક’ઍમ જૅની, ગ્રેનાડા
તેજાનાઓ માટેનો ટાપુ ગણાતા ગ્રેનાડામાં કેરેબિયન દરિયામાં આવેલો આ જ્વાળામુખી સૌપ્રથમ 1939માં અને છેલ્લે 2001માં સક્રિય થયો હતો. આ જ્વાળામુખીની 5 કિમી ફરતે સેફ્ટી ઝોન બનાવવામાં આવ્યો છે જેની બહાર સ્કુબા ડાઈવર્સ અને મરજીવાઓ તેનો આનંદ લઈ શકે છે.
10.    બ્રાન્સફિલ્ડ સ્ટ્રેઈટ, ઍન્ટાર્કટિકા
દુનિયામાં સૌથી ઠંડી જગ્યા હોવા છતાં પણ ઍન્ટાર્કટિકામાં ગરમ જ્વાળામુખીઓ પથરાયેલા છે. એમાંનો આ બ્રાન્સફિલ્ડ સ્ટ્રેઈટ જ્વાળામુખી છે જે બ્રુનો અખાત અને લિવિંગસ્ટન ટાપુની નજીક આવેલો છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links