Index Labels

ચિરંજીવી રહો : મૃત્યુ બાદ પણ સ્વજનો સાથે વાત કરવી શક્ય થશે

. . No comments:

મૃત્યુ એ માનવીના જીવનની સૌથી મોટી ટાળી ન શકાય તેવી એક ઘટના છે અને એકના એક દિવસે મોત દરેકને આવવાની જ છે. પરંતુ જો તાર્કિક વાત કરીએ તો તમે આ વિશ્વ અને પરિવારની વચ્ચે ડિજીટલ અવતાર લઈને જીવિત રહી શકો છો તો કેવું લાગશે?

 



કુદરતના નિયમો સાથે છેડાછાડ કરવાનો અને તેની સામે પડકાર ઊભો કરવાનું હંમેશા કાળા માથાના માનવીને રોમાંચક રમત જેવું લાગતું રહ્યું છે. સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વર્ષોથી માનવી આમ કરતો આવ્યો છે. અને આ વખતે ટેકનોલોજી દ્વારા મોતને છેતરવાનો ટેકનોપ્રયાસ કરીને મૃત્યુ પછી પણ તમને તમારા સ્વજનોની વચ્ચે રાખીને તમને ચિરંજીવી બનાવવાનું બીડું ટેકનોસેવી પેઢીએ ઝડપ્યું છે. ‘મૃત્યુ પછી પણ તમને લોકો યાદ રાખે તેવું કામ કરતા જાઓ' – આવું આપણે ઘણી વખત સાંભળ્યું છે પરંતુ આજની ટેકનોપેઢીએ આનાથી એક કદમ આગળ જઈને વિચાર કર્યો છે અને તમને તમારા મૃત્યુ પછી ફક્ત યાદોમાં નહીં પરંતુ વર્ચ્યુઅલી (આભાસી) પુનર્જન્મ આપવાનું સાહસ કર્યું છે. માનવીનો જીવનનો સૌથી મોટો ડર તેનું મૃત્યુ હોય છે અને તેમાં પણ મૃત્યુને કારણે પોતાના સ્વજનોને ગુમાવવાનો અને તેમને થવાનું દુ:ખનો ડર વધુ હોય છે. કદાચ એટલે જ અમેરિકામાં કેમ્બ્રિજ ખાતે 8 આંત્રપ્રિન્યોર્સે ભેગાં મળીને એજ-ઓલ્ડ (age-old) સમસ્યાના નિવારણરૂપે કોઈ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યુ હતું.  MIT (Massachusetts Institute of Technolog) ના આંત્રરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્જિનિયર્સ, ડિઝાઈનર્સ અને બિઝનેસમેનના સમન્વયથી પેદા થયેલા વિચારને આકાર આપીને  ઊભો કરવામાં આવેલો આ પ્રોજેક્ટ છે જે Eterni.me વેબસાઈટના સ્વરૂપે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.

શું છે આ પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટ Eterni.me નામની વેબસાઈટ છે જે હાલમાં તેના શરૂઆતી તબક્કામાં છે જે હજુ કાર્યરત નહીં થઈને હાલમાં માત્ર યુઝર્સ તરફથી રજિસ્ટ્રેશન જ સ્વીકારી રહી છે. આપણા સમગ્ર જીવનમાં થયેલા પ્રસંગો અને ભાવનાઓ દ્વારા આપણા સ્વજનો અને મિત્રો આપણી એક છબી તેમના મનમાં નક્કી કરે છે. પરંતુ મૃત્યુ બાદ અમુક સમય પછી આ છાપ ધીમે-ધીમે ઓસરી જાય છે અને આપણે ભૂલાઈ જઈએ છીએ. બસ, આ જ વાતનો દોર પકડીને આ યુવા આંત્રરપ્રિન્યોર્સના દિમાગમાં આ પ્રોજેક્ટનો વિચારનું સ્ફૂરણ થયું. મૃત્યુ બાદ તમે વિસરાઈ ન જાઓ તે માટે તમારી ભૂતકાળની ડિજીટલ માહિતીનો ઉપયોગ કરીને તમારો ડિજીટલ અવતાર તૈયાર કરવામાં આવશે જે તમારા સ્વજનો સાથે વિડીયો ચૅટ દ્વારા કૉમ્યુનિકેટ તેમ જ ઇન્ટરએક્ટ પણ કરશે. વધુ સરળ રીતે સમજવું હોય તો ગૂગલ અને સ્કાયપે પર આપણે વિડીયો ચૅટ કરીએ છીએ તે જ રીતે આ ટેકનોલોજી કામ કરશે. જો કે કે આ ટેકનોલોજી કોઈને પણ તેમના સ્વજનોને પાછા લાવી આપવાની કે એવી કોઈ આશા નથી આપતી પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા સ્વજનની માહિતીને સ્માર્ટલી સાચવી રાખવાની કળા છે. જેને વિઝ્યુઅલી અને ઇન્ટરએક્ટિવ ફોર્મમાં રજૂ કરીને એક નવા ચરણે લઈ જવાનો પ્રયાસ છે.

કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી?

આ વેબસાઈટ તમારા જીવનકાળ દરમ્યાનની સમગ્ર માહિતીને કલેક્ટ કરશે અને આ માહિતીભંડારને જટિલ એવી ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ઍલ્ગરિધમ’ દ્વારા પ્રોસેસ કરવામાં આવશે. ત્યાર બાદ આ માહિતીના આધારે તમારો વર્ચ્યુઅલ અવતાર પ્રગટ થશે જે તમારું વ્યક્તિત્વ દર્શાવશે, પ્રતિક્રિયા આપશે તેમ જ તમારા પરિવારજનો અને મિત્રોને માહિતી અને સલાહ આપવાનું કામ તમારા વતી કરશે. વધુ વિસ્તાર અને સરળતાથી વાત કરીએ તો તમે જ્યારે જીવિત હોવ ત્યારે આ વેબસાઈટ પર તમારો બને એટલો ડેટા પૂરો પાડવાનો રહેશે. જેમ કે તમારો ચૅટ લૉગ, ઇમેલ્સ, તમારું સોશ્યલ નેટવર્કિંગ એકાઉન્ટ, લાઈક્સ, ફોટો વગેરે જેવી માહિતી. જેના દ્વારા આ માહિતીને એક જટિલ ઍલ્ગરિધમ દ્વારા પ્રોસેસ કરીને માહિતીને આધારે વ્યક્તિના વ્યક્તિત્વ પ્રમાણે ચૅટ બોટ્સ (વાત કરવા માટેના કમ્પ્યૂટરથી બનેલા વાક્યો) તૈયાર થશે. ફોટો દ્વારા વ્યક્તિનો વર્ચ્યુઅલ અવતાર ધારણ થશે અને વિડીયો દ્વારા તેને ડિજીટલી જીવંત કરવામાં આવશે. આમ ભૂતકાળની માહિતીઓને આધારે ચૅટ-બોટ્સનો ઉપયોગ કરીને પરિવારજનો સાથે વાત-ચીત તેમ જ પ્રતિક્રિયા આપવાનો દોર મૃત્યુ બાદ પણ ચાલુ રહેશે.



આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ એટલે શું ?

ઇન્ટેલીજન્સ એટલે બુદ્ધિ એ આપણે સૌ જાણીએ છીએ. માનવના દિમાગમાં કુદરતે આપેલી સમજશક્તિ એ હ્યુમન ઇન્ટેલીજન્સ છે જ્યારે માનવે ખુદ બનાવેલી બુદ્ધિ-સમજશક્તિ એ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ છે. પરંતુ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ જોવા મળે છે ક્યાં? તો હોલીવુડની મૂવી તો તમે જોતાં જ હશો જેમાં મોટા ભાગની મૂવીમાં એડવાન્સ્ડ ટેકનોલોજીના દર્શન થયાં હોય છે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો જ એક નમૂનો છે. પરંતુ વધુ સ્પષ્ટતાથી સમજીએ તો મશીન કે સોફ્ટવેર દ્વારા પ્રદર્શિત કરાતી બુદ્ધિ અને કમ્પ્યૂટર વિજ્ઞાનના નિયમો હેઠળ ઇન્ટેલીજન્સ દ્વારા મશીન અને સોફ્ટવેરનું સર્જન કરવામાં આવે તે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ રિસર્ચ તેમ જ ડેવલપ માટેના અમુક ટૂલ્સ હોય છે જેમ કે સર્ચ અને મેથેમેટિકલ ઓપ્ટિમાઈઝેશન, લોજિક, સંભાવના અને આર્થિક પદ્ધતિ, ગણનાત્મક બુદ્ધિ, આંકડાકીય પદ્ધતિ વગેરે જેવાં. સમજશક્તિ, ભાવના, પ્રતિક્રિયા, સંવેદના, વિચારશક્તિ વગેરે જેવી માનવીની જ્ઞાનેન્દ્રિયોને ડેટા કે માહિતીરૂપે મશીન કે સોફ્ટવેર દ્વારા પ્રોસેસ કરીને કૃત્રિમ માનવ બનાવવાની સમગ્ર પ્રક્રિયા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મળીને વર્ષોથી આ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સને બને એટલી બહેતર બનાવવાની કોશિશ કરી રહી છે અને રોબોટિક્સ અને ઓટોમેટેડ મહાયંત્રો આ જ દિશામાં મેળવેલી સફળતાની નિશાનીઓ છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના નમૂના

ટેકનોલોજી અને રિયલ વર્લ્ડ બંનેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના નમૂના આપણી સામે છે જેમાં  કેટલાંકનો તો આપણે રોજબરોજ ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન જે તમારા ટાઈપ કર્યા પેહલાં જ તમને શું જોઈએ છે તેની જાણ કરી દે છે તે આ જ કૃત્રિમ બુદ્ધિક્ષમતાનો નમૂનો છે. OCR (Optical character recognition), Speech Recognition સોફ્ટવેર્સને પણ આ યાદીમાં મૂકી શકાય. ફાઇનાન્સ, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન, મ્યુઝિક, ફિલ્મ, હેવી ઇન્ડસ્ટ્રી, ટેલિકોમ્યુનિકેશન, એવિયેશન અને કમ્પ્યૂટર જેવા જુદાં જુદાં ક્ષેત્રોમાં આ ટેકનોલોજી કાર્યરત છે. આઉડી કારમાં (2006)માં વપરાતું Fuzzy logic કન્ટ્રોલર્સ ઓટોમેટિક ગિયરબોક્સ માટે વપરાય છે જે આર્ટિફિશ્ય ઇન્ટેલીજન્સનું જ એક ઉદાહરણ છે. જ્યારે ગૂગલ દ્વારા ડ્રાઈવરલેસ કાર ભવિષ્યમાં લૉન્ચ કરવામાં આવવાની છે તે પણ આપમેળે નિર્ણય લેતી આ ટેકનોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાઈ-એન્ડ વિડીયો ગેમ્સ અને હોલીવુડની ફિલ્મોમાં આપણે આ ઇન્ટેલીજન્સના શ્રેષ્ઠ ઉદાહરણો જોઈ શકીએ છીએ. ‘Halo: Combat Evolved’ સિરીઝની ગેમમાં Cortana નામનું ફીમેલ કેરેક્ટર રિયલ ટાઈમ લડાઈનું એનાલિસિસ કરીને માહિતીઓ પૂરી પાડતું રહે છે. ‘સ્ટાર વૉર્સ’ની ફિલ્મ સિરીઝમાં R2-D2 અને C-3PO કમ્પ્યૂરાઈઝ્ડ નોકર હોય છે. હોલીવુડની જાણીતી ફિલ્મ ‘ટર્મિનેટર’માં પોતાની આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ દ્વારા લોકોના ખૂન કરતું કેરેક્ટર પણ તમને યાદ હશે. જો કે બોલીવુડની પણ અમુક ગણી ગાંઠી ફિલ્મોને પણ આ લિસ્ટમાં ઉમેરી શકાય જેમ કે રજનીકાંતની રોબોટ જેમાં ચિટ્ટી જેનામાં લાગણીઓ અને સંવેદના અનુભવવાની સાથે સાથે આપોઆપ નિર્ણયો લેવાની તાકાત પણ દર્શાવવામાં આવી છે. શાહરૂખ ખાનની રા.વન ફિલ્મ જેમાં વિડીયો ગેમના વિલન કેરેક્ટર સાથે રિયલ વર્લ્ડમાં હીરોનું રોબોટિક પાત્ર લડાઈ કરતું બતાવવામાં આવ્યું છે. Chinook નામના કમ્પ્યૂટર પ્રોગ્રામે ચેકર્સ (ડ્રાફ્ટ્સ તરીકે વધુ જાણીતી) નામની ગેમમાં સૌપ્રથમ વખતમ માનવીના દિમાગને હાર આપી હતી. Deep Blue નામના ચેસ પ્લેયિંગ કમ્પ્યૂટર પ્રોગ્રામે 1997માં રશિયાના ચૅસ વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવ્યું હતું. હાલમાં ટેકનો અને વિજ્ઞાનશાસ્ત્રીઓ મેડિકલ ક્ષેત્રમાં પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને કુદરતી ખોટને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 2008થી શરૂ થયેલો aHuman નામનો રિસર્ચ પ્રોજેક્ટ ન્યૂરોબાયોલોજી ડેટા છે જે માણસના વ્યક્તિત્વને કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા પ્રદર્શિત કરી શકશે. રિવર્સ-એન્જિનિયરિંગ ટેકનોલોજી દ્વારા Blue Brain નામનો પ્રોજેક્ટ અંતર્ગત સિન્થેટિક બ્રેઇન બનાવવામાં આવી રહ્યું છે જેમાં મગજની સાઈઝને ઘટાડીને સૂક્ષ્મ સ્વરૂપમાં કરવાનો પ્રયાસ છે.

Eterni.meની બીજી બાજુ

આ ટેકનોલોજી (વેબસાઈટ) દ્વારા લોકોને વર્ચ્યુઅલી અમર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે ‘દુઆઓ મે યાદ રખના ને’ બદલે ‘વિડીયો પે દેખ (અને સુન પણ) લેના’ જેવા ડાયલોગ્સ ભવિષ્યમાં સાંભળવા મળે તો નવાઈ નહીં. પ્રોસેસ કરેલી માહિતીને આધારે કેટલા ખરા અંશે વ્યક્તિના વ્યક્તિત્વને રજૂ કરવામાં સફળ રહે છે તે જોવાનું રહેશે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ, ઇમેલ્સ અને ચૅટિંગ દરમ્યાન આદાન-પ્રદાન થયેલી માહિતીઓ કેટલી સાચી અને કેટલી ખોટી છે તેની જાણ ફક્ત આપણને જ હોય છે. તો આવામાં મૃત્યુ પછી આપણા સ્વજનો સમક્ષ આપણો અસલી કે નકલી ચહેરો સામે આવે તો તેના માટે ફક્ત ને ફક્ત તમે જ જવાબદાર હશો.

Article Published on 15/02/2014 in 'Science' Supplement of Gujarat Guardian Newspaper,

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links