Index Labels

તમારાં કમ્પ્યુટરો માટે ખતરાની ઘંટડી સમાન બે લેટેસ્ટ વાઇરસ

. . No comments:

 


કમ્પ્યુટર વાઇરસ લગભગ ૮૦ના દાયકાથી ટ્રેડિશનલ રીતે યુઝર્સને હેરાન કરતો આવ્યો છે. જોકે સાઇબરજગતમાં હાલમાં જ જાણવા મળેલા Flame નામના વાઇરસે નિષ્ણાતોમાં ચિંતા અને યુઝર્સમાં દહેશત ફેલાવી છે. યુઝર્સે‍ Flame સાથે-સાથે બીજા અન્ય એક વાઇરસ સાથે પણ ભેટો થવાની તૈયારી રાખવી પડશે.

૧. Flame, Flame or Skywiper


ઓળખ : નિષ્ણાતોના મુજબ અત્યાર સુધીનો આ સૌથી ખતરનાક વાઇરસ છે. આ વાઇરસ એટલી હદે ઍક્ટિવ છે કે એ એક માનવીય જાસૂસ જેટલી કામગીરી કરવા સક્ષમ છે. આ જોખમી વાઇરસ માઇક્રોફોન દ્વારા રેકૉર્ડિંગ તેમ જ કમ્પ્યુટરના સ્ક્રીનશૉટ્સ સમયે-સમયે એના કમાન્ડરને મોકલી આપવાની ચપળ ક્ષમતા ધરાવે છે.

સાઇબરજગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વાઇરસ ખાસ કરીને યુઝર્સને હેરાન કરવા નહીં પરંતુ જે-તે રાષ્ટ્રની ડિફેન્સ, રાજકીય જેવી ગંભીર માહિતીઓની ચોરી કરવા તેમ જ નજર રાખવા માટે બનાવવામાં આવ્યો છે. જેથી એમ કહી શકાય કે આ વાઇરસ બનાવવાનો હેતુ કોઈ વ્યક્તિ નહીં પરંતુ રાષ્ટ્રનો હોઈ શકે. ઘણા લોકો આ વાઇરસને ‘સાઇબર-વૉર’ શરૂ થવાનાં એંધાણ તરીકે પણ ઓળખાવે છે.

કેવી રીતે કામ કરે છે આ વાઇરસ?

૨૦ MB (મેગા બાઇટ્સ)નો આ ખતરનાક વાઇરસ નિષ્ણાતોના મત મુજબ અત્યાર સુધીનો જટિલ પ્રોગ્રામ છે જે ૨૦૧૦ સુધીના સૌથી ખતરનાક વાઇરસ Stuxnet અને Duquથી પણ ખતરનાક છે. ખાસ કરીને USB પોર્ટની Autorun.inf ફાઇલ દ્વારા ફેલાતા આ વાઇરસને ખરેખર એક દુષ્ટ સૉફ્ટવેર ધરાવતી ટૂલકિટ કહી શકાય, કારણ કે એ અન્ય વાઇરસની જેમ કમ્પ્યુટરમાંની ફાઇલોને નુકસાન કે રિપ્લેસ નથી કરતો, પરંતુ તમારા કમ્પ્યુટરમાં ઘર કરીને એક પોતાની ટૂલકિટ સેટ કરીને ઑડિયો, સ્ક્રીનશૉટ અને અન્ય માહિતી મોકલવા માટેની તૈયારી કરે છે. આ ટૂલકિટ ખાસ કરીને trojan અને keyloggers નાખીને તમારી બૅન્ક-ડીટેલ્સ, પાસવર્ડ અને અન્ય ટાઇપ થતી માહિતીઓને આસાનીથી એના કમાન્ડરને મોકલી શકે છે.

કેવી રીતે ખબર પડશે Flameનાં લક્ષણો?

ગૂગલ, યાહૂ સર્ચિંગ વેબસાઇટ અન્ય સાઇટ પર રીડાયરેક્ટ થવા લાગશે. ડેસ્કટૉપ બૅકગ્રાઉન્ડ ઇમેજ અને બ્રાઉઝરનું હોમપેજ ચેન્જ થયેલાં જણાશે. Flame વાઇરસનાં આ સામાન્ય અને પ્રાથમિક લક્ષણ છે.

તમારા કમ્પ્યુટરને આ વાઇરસ સ્લો કરી નાખશે અને તમારા કમ્પ્યુટરને હૅન્ગ પણ કરી દેશે. જેમ કે પ્રોગ્રામ ઓપન કરવામાં, શટડાઉન કરવામાં તેમ જ ઇન્ટરનેટ સર્ફિંગ જેવી પ્રક્રિયાને ધીમી કરી નાખશે.

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સમયે વણજોઈતાં પૉપ-અપ્સ અને વિન્ડોઝ ઓપન થઈ જશે. કમ્પ્યુટરની રજિસ્ટ્રી ફાઇલ્સને કરપ્ટ કરી નાખશે.

કેવી રીતે બચશો આ દુશ્મનથી?
  • સૌપ્રથમ ઇન્ટરનેટ પર ફિશિંગ અને અજાણી લિન્ક્સ પર ક્લિક કરવાનું તેમ જ ડાઉનલોડ કરવાનું ટાળો.
  • જો તમારું કમ્પ્યુટર આ વાઇરસથી પીડિત થયું હોય તો કમ્પ્યુટર-એક્સપર્ટનો સંપર્ક કરી તેમ જ ઇન્ટરનેટ પરથી ઍન્ટિવાઇરસ ડાઉનલોડ કરી એને દૂર કરી શકાય છે : http://www.cleanpcguide.com/download/
  • ઍન્ટિવાઇરસ સૉફ્ટવેર અપ-ટુ-ડેટ રાખો.
  • USB પોર્ટથી આ વાઇરસ વધુપડતો ફેલાતો હોવાથી પેનડ્રાઇવ કે અન્ય USB સ્ટિક નાખતાં પહેલાં ઍન્ટિવાઇરસ સૉફ્ટવેરથી સ્કૅન કરાવો.

 

2. DNSChanger


ઓળખ : DNSChanger નામનો આ વાઇરસ ટેક્નિકલ લોકો માટે વધુ ખતરારૂપ નથી, કારણ કે તેઓ એને આસાનીથી દૂર કરી શકે છે, પરંતુ સામાન્ય યુઝર્સ માટે માથાનો દુ:ખાવો બની શકે છે. વાઇરસની મુખ્ય કામગીરી બ્રાઉઝરમાં ટાઇપ કરીને ઓપન કરવામાં આવતી વેબસાઇટને બદલે પોતાની ઇચ્છા મુજબની વેબસાઇટ ઓપન કરવાની છે. આમ કરવાનો મુખ્ય હેતુ વાઇરસ પેદા કરનાર દ્વારા પોતાની વેબસાઇટ ઓપન કરાવીને ઍડ્વર્ટાઇઝિંગ રેવન્યુ અને વિઝિટ્સ કમાવાનો છે.

શું કામ છે આ વાયરસનું?

ખરેખર તો ૯ જુલાઈએ ત્રાટકનારા DNSChanger નામના આ વાઇરસનો જન્મ સાઇબરજગતમાં વર્ષ ૨૦૦૭થી થઈ ચૂક્યો છે. આ વાઇરસને ખતરનાક માનવામાં આવી રહ્યો છે, કારણ કે એ યુઝરના કમ્પ્યુટરના DNS (ડોમેન નેમ સિસ્ટમ)ને ચેન્જ કરી નાખે છે. આમ થવાથી વાઇરસ તમારા ઇન્ટરનેટ દ્વારા ઓપન થતી વેબસાઇટ પર કન્ટ્રોલ કરી શકે છે. ઉદાહરણ તરીકે તમે જો ગૂગલ ઓપન કરો તો એના બદલે વાઇરસમાં લખેલી કે સેટિંગ કરેલી વેબસાઇટ ઓપન થશે. આમ એ જે ઇચ્છે એ વેબસાઇટ તમારી પાસેથી ઓપન કરાવી શકે છે.

DNS એટલે શું?

DNS એટલે ઉપર જણાવ્યા મુજબ ડોમેન નેમ સિસ્ટમ, જે વેબસાઇટના યુનિક IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસને યુઝર માટે નામમાં તબદીલ કરી નાખે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જ્યારે www.google.com ટાઇપ કરો ત્યારે હકીકતમાં એનું એક યુનિક IP ઍડ્રેસ હોય છે એને રજિસ્ટ્રેશન વખતે નામ સાથે જોડી દેવામાં આવે છે.

૯ જુલાઈ જ કેમ?

હકીકતમાં આ વાઇરસનો જન્મ ૨૦૦૭માં થયો હતો જે સમય જતાં ઘણાં કમ્પ્યુટરમાં ઘર કરી ગયો હતો. જોકે આ વાઇરસે લગભગ ત્રણ વર્ષ સુધી યુઝર્સને ભરપેટ હેરાન કર્યા જેમાં ફક્ત અમેરિકામાં જ પાંચ લાખ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ હરકતમાં આવી સુવ્યવસ્થિત ઍક્શન પ્લાન દ્વારા ૨૦૧૧ના નવેમ્બરમાં આ વાઇરસના કર્તાહર્તાની ધરપકડ કરી લીધી હતી. આ સમસ્યાને પહોંચી વળવા એફબીઆઇએ Operation Ghost Click અંતર્ગત એક્સ્ટ્રા વેબ-સર્વર ઊભાં કર્યા હતાં. નુકસાન પામેલા કમ્પ્યુટર યુઝર્સનો ટ્રાફિક એ સર્વરમાં પહોંચતો. આમ કરવાથી યુઝરનું કમ્પ્યુટર ઇન્ફેક્ટ થયું હોય એમ છતાં તેને ખ્યાલ નહોતો આવતો અને તેને કરેક્ટ વેબસાઇટ જ ઓપન કરી આપતું હતું, પરંતુ આ એક્સ્ટ્રા સર્વર્સને લાંબા સમય સુધી ટકાવી રાખવા અમેરિકા માટે પણ ખર્ચાળ હતું જેથી અમેરિકી ર્કોટે આ સર્વર્સને ૨૦૧૨ની ૮ માર્ચે‍ ડાઉન કરી દેવાનો હુકમ આપ્યો હતો. જ્યારે ૮ માર્ચે‍ સર્વર્સ બંધ કરી દેવામાં આવ્યાં ત્યારે ફરીથી આ વાઇરસ ઍક્ટિવ બન્યો હતો અને એ સમયે ફરીથી દહેશતનો માહોલ ઊભો થયો હતો. એફબીઆઇએ ર્કોટ પાસે થોડો વધુ સમય માગ્યો હતો જેની ડેડલાઇન વધારીને ૨૦૧૨ની ૯ જુલાઈ કરવામાં આવી હતી. આમ ૯ જુલાઈએ આ વાઇરસ દ્વારા નુકસાન પામેલાં કમ્પ્યુટર્સને પહોંચી વળવા માટેનાં સર્વર્સ બંધ કરી દેવામાં આવશે ત્યારે ફરી ઇન્ટરનેટનો ટ્રાફિક ખોરવાઈ જવાની દહેશત સેવવામાં આવી રહી છે.

કેવી રીતે ખબર પડશે લક્ષણો?

૧. http://www.dns-ok.us/ નામની સાઇટ પર જાઓ અને જો તમને ત્યાં DNS Resolution = GREEN એવું દેખાય તો સમજવું કે તમે સેફ છો. અને જો Resolution = REDદેખાય તો DNSChanger તમારા કમ્પ્યુટરમાં છે.

૨. આ ઉપરાંત જો મૅન્યુઅલી જાણવું હોય તો http://www.dcwg.org/detect  સાઇટ પર અલગ-અલગ ઑપરેટિંગ સિસ્ટમ્સ માટે જુદી-જુદી રીત આપેલી છે.

કેવી રીતે બચશો? 

એફબીઆઇએ ખાસ કરીને આ સમસ્યાને પહોંચી વળવા માટે પોતાની વેબસાઇટ પર માહિતીસભર સૉલ્યુશન આપ્યું છે જેને તમે http://www.fbi.gov/news/ stories/2011/november/ malware_110911 પર મેળવી શકો છો. આ ઉપરાંત અન્ય એક ઉપયોગી વેબસાઇટ http:/www.dcwg.org/fix/ પર પણ આ દુષ્ટ સૉફ્ટવેરથી બચવાના સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે.



અત્યાર સુધીના ટૉપ ટેન ખતરનાક વાઇરસ


૧. MyDoom

વર્ષ : ૨૦૦૪
નુકસાન : આશરે ૩૮ અબજ ડૉલર

૨૦૦૪ની ૨૬ જાન્યુઆરીએ પહેલી વાર દેખાયેલા આ વાઇરસને ઇન્ટરનેટ દ્વારા અત્યાર સુધીમાં સૌથી ઝડપી રીતે ફેલાયેલા વાઇરસોમાં અવ્વલ માનવામાં આવે છે. MyDoom પણ અન્ય વાઇરસની જેમ ઈ-મેઇલ દ્વારા જ કમ્પ્યુટરમાં ઘર કરી જતો. "andy; I’m just doing my job, nothing personal, sorry,"  જેવા સબ્જેક્ટ-લાઇનથી મળતી ઈ-મેઇલમાં ખાસ કરીને આ વાઇરસ જોવા મળતો. આ ઉપરાંત એનો હેરાન કરવાનો બીજો રસ્તો સર્ચ-એન્જિન હતું જેમાં ગૂગલ પર અસંખ્ય ક્વેરીઝ મોકલીને યુઝરનું કમ્પ્યુટર ક્રૅશ કરવાની ક્ષમતા આ વાઇરસમાં હતી.

૨. Sobig.F

વર્ષ : ૨૦૦૩
નુકસાન : આશરે ૩૭ અબજ ડૉલર

આ વાઇરસ ખાસ કરીને ઇન્ટરનેટ પર ઈ-મેઇલમાં અટૅચમેન્ટમાં મોકલવામાં આવતાં હતાં જેમાં Re: Approved, Re: Details, Re: Re: My Details વગેરે જેવા સબ્જેક્ટથી મોકલવામાં આવતા. ૨૦૦૩ના જાન્યુઆરીમાં દેખાયેલો આ વાઇરસ એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો કે ૨૦૦૩ની ૧૦ સપ્ટેમ્બરે પોતાની જાતે જ ડીઍક્ટિવેટ થઈ જાય, પરંતુ ત્યાં સુધીમાં આ વાઇરસે ઇન્ટરનેટ ગેટવે અને ઈ-મેઇલ સર્વર્સને હેરાન કરીને નુકસાનનો આંકડો અબજો ડૉલર પર પહોંચાડ્યો હતો. માઇક્રોસૉફ્ટે આ વાઇરસના સર્જનકર્તાની માહિતી આપવા માટે ૨.૫૦ લાખ ડૉલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું, પરંતુ કોઈ પણ માહિતી ઉપલબ્ધ નહોતી થઈ.

૩. ILOVYOU / Lovebug / Loveletter

વર્ષ : ૨૦૦૦
નુકસાન : આશરે ૧૫ અબજ ડૉલર


આ વાઇરસને કમ્પ્યુટરજગતનો અત્યાર સુધીનો સૌથી નુકસાનકારક વાઇરસ માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ઈ-મેઇલના અટૅચમેન્ટમાં આ વાઇરસ વિના બોલાવ્યે કમ્પ્યુટરમાં ઘૂસતો અને કમ્પ્યુટરની મેમરી અને એમાંની executable.(exe) ફાઇલ્સનો ખાતમો બોલાવતો. જ્યારે યુઝર "LOVE-LETTER-FOR-YOU.txt.vbs" અટૅચમેન્ટ સાથેની ઈ-મેઇલ ઓપન કરે એટલે ઑટોમૅટિકલી કમ્પ્યુટરમાં ઘૂસીને આ વાઇરસ એમાંની ફાઇલ્સને તહસનહસ કરી દેતો હતો. ઇમેજિસ, એમપીથ્રી અને ફૂહૃફૂ  ફાઇલ્સને આ વાઇરસ ટાર્ગેટ બનાવતો હતો; જે કમ્પ્યુટરમાં મોટા ભાગે ઉપયોગી ફાઇલ્સ હોય છે. એ સમયનો એક ફિલિપીન્સ પ્રોગ્રામર જે એક વિદ્યાર્થી હતો અને તેણે આ વાઇરસને જન્મ આપ્યો હતો. જોકે તેણે કહ્યું હતું કે આ વાઇરસ આકસ્મિક રીતે જ પેદા થયો હતો. એક જ દિવસમાં પૂરી દુનિયામાં રૅપિડ રીતે ફેલાઈ ગયેલા વાઇરસે અમેરિકામાં ગવર્નમેન્ટ અને કૉર્પોરેશન સહિત પેન્ટાગૉનનાં કમ્પ્યુટર્સને પણ નુકસાન પહોંચાડવામાં કસર નહોતી છોડી.

૪. Conficker

વર્ષ : ૨૦૦૮
નુકસાન : આશરે ૯.૧ અબજ ડૉલર

Conficker (Conficker (Downup, Downandup and kido તરીકે પણ ઓળખાતો) નામનો આ વાઇરસ ખાસ કરીને વિન્ડોઝ XPમાં ઘર કરી જઈને નુકસાન પહોંચાડવાનું કામ કરતો હતો. રિપોર્ટ પ્રમાણે ૨૦૦૮ના ઑક્ટોબરમાં માથું ઊંચકનાર આ વાઇરસ ૨૦૦૯ની ૧૫ જાન્યુઆરી સુધી ૨૫ લાખ જેટલાં કમ્પ્યુટરને હેરાન કરી ચૂક્યો હતો.

૫. Code Red

વર્ષ : ૨૦૦૧
નુકસાન : આશરે બે અબજ ડૉલર

હજી તો ઑનલાઇન જગત ILOVEYOU વાઇરસના સકંજામાંથી બહાર નહોતું આવ્યું ત્યાં તો Code Red નામના અન્ય એક ખતરનાક વાઇરસે પોતાનો આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ વાઇરસ અમુક ચોક્કસ કમ્પ્યુટર જેમાં વેબ-સર્વરની IIS (internet information server) સર્વિસ હોય એવાં કમ્પ્યુટર્સને જ ટાર્ગેટ બનાવતો હતો. માઇક્રોસૉફ્ટના આ સૉફ્ટવેરના બગ એટલે કે સૉફ્ટવેરની ખામીનો લાભ ઉઠાવી આ વાઇરસ સૉફ્ટવેરને એના ઘૂંટણિયે પડી જવા મજબૂર કરી દેતો. ત્યાર બાદ વાઇરસ વેબ-સર્વરમાં રહેલી વેબસાઇટને પોતાના કન્ટ્રોલમાં લઈને હોમ પેજ બદલી નાખીને એના પર "Welcome to http://www.worm.com! Hacked by Chinese!" એવો મેસેજ મૂકી દેતો હતો. બસ, આમ કર્યા બાદ અન્ય કમ્પ્યુટર્સમાં પણ વેબ દ્વારા જઈ ફરી એ જ પ્રક્રિયા કરવા લાગી જતો હતો આ વાઇરસ.

૬. Melissa

વર્ષ : ૧૯૯૯
નુકસાન : આશરે ૧.૨ અબજ ડૉલર

વિશ્વનાં ૨૦ ટકા કમ્પ્યુટર્સને પોતાનો શિકાર બનાવનાર આ વાઇરસ ઈ-મેઇલ સ્પૅમિંગ દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. ૧૯૯૯માં આ દુષ્ટ સૉફ્ટવેરના અટૅકથી માઇક્રોસૉફ્ટ, ઇન્ટેલ અને અન્ય બિગ કંપનીઓ પણ અસર પામી હતી; કારણ કે ઈ-મેઇલ માટે એ MS Outlookનો ઉપયોગ કરતી હતી. વિશ્વનાં મોટા ભાગનાં ઈ-મેઇલ સર્વરને બંધ કરીને વાઇરસ દૂર કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ વાઇરસ ઈ-મેઇલમાં વર્ડની ફાઇલના અટૅચમેન્ટ તરીકે આવતો હતો, જેને ઓપન કરતાં જ તમારા આઉટલુકના પ્રથમ ૫૦ લોકોને આપોઆપ જ વાઇરસ સાથેની ઈ-મેઇલ મોકલી દેવામાં આવતી હતી. આટલું કામ કર્યા બાદ એ કમ્પ્યુટરની ફાઇલ્સને નુકસાન પહોંચાડવા માટે કામે લાગી જતો હતો અને એ ફાઇલ્સને ઓવરરાઇટ કરી ફેમસ ટીવી કાટૂર્ન સિરીઝનું "The Simpsons" નામ આપી દેતો. આ વાઇરસને જન્મ આપનાર ડેવિડ સ્મિથ નામની વ્યક્તિએ ફ્લોરિડાની એક ફીમેલ ડાન્સરના નામ પરથી વાઇરસને Melissa નામ આપ્યું હતું.

૭. SQL Slammer

વર્ષ : ૨૦૦૩
નુકસાન : આશરે ૭૫ કરોડ ડૉલર

૨૦૦૩ના જાન્યુઆરીમાં ધમાલ મચાવનાર SQL Slammer નામનો આ વાઇરસ ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ ગયો હતો. આ કમ્પ્યુટર-કીડાએ બૅન્ક ઑફ અમેરિકાનાં એટીએમ ક્રૅશ કરી દીધાં હતાં. સીએટલની ૯૧૧ સર્વિસ ડિસ્ટર્બ કરી હતી તેમ જ કૉન્ટિનેન્ટલ ઍરલાઇન્સે ઇલેક્ટ્રૉનિક ટિકિટિંગ અને ચેક-ઇનમાં પ્રૉબ્લેમ થતાં ઘણી ટિકિટો કૅન્સલ કરવી પડી હતી.

૮. Sasser
વર્ષ : ૨૦૦૪
નુકસાન : આશરે ૫૦ કરોડ ડૉલર

 Sasser વાઇરસ એક પ્રકારનો કૉમ્પ્લેક્સિવ કોડ હતો જે હજારો કમ્પ્યુટરને પાંગળાં કરવા સક્ષમ હતો. આ વાઇરસ ફક્ત ૧૪ વર્ષના જર્મન સ્ટુડન્ટે વર્ષ ૨૦૦૪માં બનાવ્યો હતો. Sasser પણ બ્લાસ્ટર વાઇરસની જેમ જ માઇક્રોસૉફ્ટની નબળી બારીઓમાંથી અંદર એન્ટ્રી લેતો.

કમ્પ્યુટરના નેટવર્કને તોડી પાડવાનું કામ આ વાઇરસ કરતો હતો. એને એ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો કે એક કમ્પ્યુટરને નુકસાન કરીને ઇન્ટરનેટ દ્વારા અન્ય નબળા કમ્પ્યુટરને ટાર્ગેટ કરવું.

૯. Blaster

વર્ષ : ૨૦૦૩
નુકસાન : આશરે ૩૨ કરોડ ડૉલર

આ વાઇરસ ઈ-મેઇલમાંથી કમ્પ્યુટરમાં જવાને બદલે માઇક્રોસૉફ્ટની નબળાઈઓને તોડીને વિન્ડોઝ ૨૦૦૦ અને XP ઑપરેટિંગ સિસ્ટમમાં ઘર કરી બેસતો. આ વાઇરસ ૨૦૦૩માં જ્યારે લોકોના ધ્યાનમાં આવ્યો ત્યારે હજારો કમ્પ્યુટર્સમાં એણે પોતાનું સ્થાન જમાવી દીધું હતું.

Blasterથી પીડિત કમ્પ્યુટરમાં એક મેસેજ-બૉક્સ ડિસ્પ્લે થતું The system will shut down within a minute  એવું દેખાતું હતું. વાઇરસના કોડમાં એક મેસેજ પણ છુપાયેલો હતો જેમાં લખ્યું હતું ‘Billy Gates, why do you make this happen? Stop making money and fix your software!’

૧૦. CIH / Chernobyl

વર્ષ : ૧૯૯૮
નુકસાન : આશરે ૮ કરોડ ડૉલર

વર્ષ ૧૯૯૮માં જન્મેલા કમ્પ્યુટરના આ દુશ્મનને પણ નુકસાન પહોંચાડવાની બાબતે ઓછો આંકવામાં નથી આવ્યો. આ વાઇરસ પણ એ સમયની ઑપરેટિંગ સિસ્ટમ Windows 95, 98 અને ME દરેક executable ફાઇલ્સને શિકાર બનાવતો હતો. વળી એ કમ્પ્યુટરની મેમરીમાં દેખાયા વિના એનું ચુપકેથી કામ કરી લેતો હતો જેથી એને પકડવો પણ મુશ્કેલ બની ગયું હતું. આ વાઇરસ ટ્રિગર ડેટ (નિશ્ચિત તારીખ) ધરાવતો હતો એટલે તમારા કમ્પ્યુટરમાં વાઇરસ પ્રમાણેની તારીખ આવે એટલે એ વાઇરસ કમ્પ્યુટરનું કામ તમામ કરવા માટે જન્મ લઈ લેતો. એનું મુખ્ય કામ ડ્રાઇવની તમામ ફાઇલો ઓવરરાઇટ તેમ જ નાશ કરી દેવાનું હતું.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links