Index Labels

Google Lens : 'Sweet' Solution for Diabetics

. . No comments:

ગૂગલ લૅન્સ : ડાયાબીટીસના દર્દીઓ માટેનું સ્વીટ સોલ્યુશન

ટેકનોલોજીનો પર્યાય બનેલી ગૂગલે આ વખતે યુઝર્સ માટે ટેકનોસજજ્ સ્માર્ટ કૉન્ટેક્ટ લૅન્સ બનાવવાની કવાયત શરૂ કરી છે. પરંતુ હંમેશા ટેકનોલોજીનો સ્વાદ ચખાડનારી ગૂગલના આ લૅન્સ તમને આંખમાંથી દિમાગમાં સીધા ઈ-મેલ કે માહિતી મોકલી આપશે એવું ન વિચારતા, કારણકે હવે આંખમાં રહેનારા આ કૉન્ટેક્ટ લૅન્સ દુનિયાની મોટી બીમારી ડાયાબીટીસને લગતું ડિવાઈસ છે જે દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થશે.



ઘર ઘર કી બીમારી બનેલી ડાયાબીટીસ પૃથ્વી પર વસતા દર 19માંથી 1 વ્યક્તિમાં જોવા મળતી હોય છે. ત્યારે ટેકનોલોજીમાં ભરપૂર સુવિધાઓનું પ્રદાન કર્યા બાદ હવે ગૂગલને આ વખતે લોકોના સ્વાસ્થ્યની ચિંતા પેઠી છે. જો કે ગૂગલનું આ ડિવાઈસ ડાયાબીટીસની બીમારી દૂર કરી દેશે તેવું વિચારતા હોવ તો એ જરા અતિશયોક્તિ કહેવાશે. કારણકે, કાલ્પનિક અને ફ્યૂચર ટેકનોલોજી પર કામ કરનારી ગૂગલની સિક્રેટ Google [x] Lab દ્વારા આઈ કોન્ટેક્ટ લૅન્સ ડેવલપ કરવામાં આવી રહ્યાં છે જે ડાયાબીટીસના દર્દીઓને તેમના સુગર લેવલ પર ધ્યાન રાખવા તેમ જ મેઇન્ટેઇન કરવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. આ જ લૅબ દ્વારા અગાઉ ગૂગલ ગ્લાસ અને ગૂગલની સેલ્ફ-ડ્રાઈવીંગ કારનો નમૂનો પણ દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યો હતો.

કેવી રીતે કામ કરશે?

ગૂગલના આ સોફ્ટ કૉન્ટેક્ટ લૅન્સ હજુ એકમાત્ર નમૂનો અને પ્રયોગસ્તરે છે જેમાં સેન્સર છે જે આંસુમાં રહેલા ગ્લુકોઝના લેવલને માપવાનું કામ કરશે. આ લૅન્સમાં એક પિનહોલ (સૂક્ષ્મ કાણું) છે જે માપણી માટે આંસુસ્ત્રાવને ગ્લુકોઝ મોનિટર પર ધીમે ધીમે ટપકવા દેશે. કંપની જણાવે છે કે હાલમાં આ લૅન્સ દર સેકન્ડે રિડીંગ કરશે. આ ઉપરાંત લૅન્સમાં સૂક્ષ્મ એન્ટેના (મનુષ્યના વાળ કરતા પણ પાતળું), કેપેસીટર અને કન્ટ્રોલરનું રચનાયંત્ર પણ છે જે આંખના આંસુમાંથી ભેગાં થયેલા ડેટાને હેન્ડ હેલ્ડ ડિવાઈસમાં (મોબાઈલ કે અન્ય હાથમાં રાખી શકાય એવું રિડર) મોકલવાનું કામ કરશે જ્યાં ડેટાને વાંચી તેમ જ તેનું વિશ્લેષણ કરી શકાય. આમ ડિવાઈસ RFID નામની વાયરલેસ ટેકનોલોજીથી કામ કરશે. ગૂગલના ડેવલપર્સ આ લૅન્સમાં LED લાઈટ્સ પણ ફીટ કરવાનું વિચારી રહ્યાં છે જેમાં લાઈટ થવાથી ગ્લુકોઝના લેવલનું પ્રમાણ વધવાની કે ઘટવાની અલર્ટ મળે.

ગૂગલને લૅન્સ બનાવવાનું કેમ સૂઝ્યું?

ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશન (IDF)એ જ્યારથી જાહેર કર્યું કે દુનિયા ડાયાબીટીસની સામે જંગ હારી રહ્યું છે ત્યારેથી દુનિયાના 38.2 કરોડ જેટલાં ડાયાબીટીસના દર્દીઓની વ્હારે આવવાનું ગૂગલે વિચાર કર્યો. આજના જમાનામાં બ્લડમાં સુગર લેવલ માપવા માટે સોય ભોંકીને લેવાતા સેમ્પલની દર્દનાક પદ્ધતિને બદલે આસાન રીતે સુગર લેવલ માપવાનો મુખ્ય હેતુ છે. આપણે સૌએ ડાયાબીટીસનું નામ સાંભળ્યું છે પરંતુ તેના દર્દીઓને બ્લડ સુગર લેવલ મેઇન્ટેઇન કરવા માટે રોજબરોજ કેટલી સામગ્રીઓ અને તકલીફોનો સામનો કરવો પડે છે તે ખરેખર દયનીય સ્થિતિ છે. ગૂગલના જણાવ્યા પ્રમાણે અમને જાણવા મળ્યું છે કે ડાયાબીટીસને મેનેજ કરવું એ દર્દીઓ માટે એક પાર્ટ-ટાઈમ જૉબ બની ગઈ છે. કસરત, જમાવની તેમ જ પરસેવો થવા જેવી સામાન્ય પ્રવૃત્તિથી પણ ગ્લુકોઝનું પ્રમાણ અવારનવાર બદલાતું રહેતું હોય છે ત્યારે ગ્લુકોઝનું લેવલ વારંવાર ચૅક કરવું ફરજિયાત બની જાય છે. આવામાં આપણે બ્લડ સેમ્પલ દ્વારા ગ્લુકોઝ લેવલનું માપન કરતાં રહેતાં હોઈએ છીએ. બ્લડ સેમ્પલની પદ્ધતિ દર્દનાક તો છે જ સાથે સાથે એક કરતાં વધારે ડિવાઈસ હંમેશા સાથે રાખવાનું મુશ્કેલ બનતાં રેગ્યુલર ચેક-અપ કરવું એક ચેલેન્જ સમાન બની જતું હોય છે. આ ઉપરાંત કેટલાંક લોકો હાલમાં ગ્લુકોઝ મોનિટરનો ઉપયોગ પણ કરતાં હોય છે પરંતુ તે દર્દીઓ માટે દર્દનાક બની રહેતાં હોય છે. વર્ષોથી વૈજ્ઞાનિકો શરીરના પ્રવાહી સ્ત્રાવ પર પ્રયોગ કર્યા છે ત્યારે ગૂગલને આશા છે કે આંસુ દ્વારા ગ્લુકોઝના પ્રમાણનું ધ્યાન રાખવું સરળ રહેશે. જો કે આંસુને મેળવીને તેના પર અભ્યાસ કરવાનું ઘણી અઘરી કસરત છે ત્યારે આંખમાં જ લૅન્સ બેસાડીને ડેટા મેળવવાનું કામ ગૂગલ માટે સરળ બની રહેશે.



આ ટેકનોલોજીથી ભવિષ્ય થશે ઊજળું

વિયરેબલ (પહેરી શકાય તેવા) ડિવાઈસની શોધ કરવામાં ટેકનો એક્સપર્ટ્સ વર્ષોથી સંશોધન કરી રહ્યાં છે અને બને ત્યાં સુધી યુઝરને સરળતાનો અનુભવ કરવા માટે મથતાં હોય છે. ગૂગલના આ લૅન્સ ડાયાબીટીસના દર્દીઓ માટે નવી ટેકનોલોજી છે એવું નથી. આ અગાઉ માઈક્રોસોફ્ટે પણ નૉન-નીડલ (સોય વિનાની) ટેકનોલોજી પર હાથ અજમાવ્યો હતો પરંતુ તે સફળ રહી ન હતી. વાસ્તવમાં ગૂગલ લૅન્સ અને ગૂગલ ગ્લાસના પ્રોજેક્ટના મુખ્ય સંશોધનકર્તા (અગાઉ માઈક્રોસોફ્ટના પ્રોજેક્ટમાં હતાં) એક જ હોવાથી ભવિષ્યમાં નોન-ડાયાબીટીસ યુઝર્સને પણ આ લૅન્સનો ફાયદો અન્ય ટેકનોલોજી / પ્રવૃત્તિ માટે થઈ શકે તો નવાઈ નહીં. જેમ ગૂગલ ગ્લાસ ચશ્મા દ્વારા પ્રોજેક્ટર જેટલી સ્ક્રીન બનાવીને તમારી આંખો સમક્ષ ટેકનોસામગ્રી પીરસવાનું કામ કરે છે તેમ કદાચ ભવિષ્યમાં આ લૅન્સ ચશ્માની જગ્યા લઈને તમારા ચહેરા પરથી ગૂગલ ગ્લાસનો ભાર હળવો કરવાનું કામ કરી શકે છે. જો કે વર્ચ્યુઅલ વર્લ્ડને રિયલ વર્લ્ડની જેમ જ નરી આંખે જોવાનો અનુભવ આપવા માટે Innovega નામની કંપનીએ iOptik નામના લૅન્સનો નમૂનો હાલમાં જ CES 2014માં પ્રદર્શિત કર્યો હતો. પરંતુ ગૂગલના સ્માર્ટ લૅન્સ સૌપ્રથમ ડાયાબીટીસના દર્દીઓને મદદ કરવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે હજુ આ પ્રોડક્ટને દર્દીઓની આંખે પહોંચતા પાંચ વર્ષ લાગી જશે.

આ ટેકનોલોજી કેટલાંક સવાલોના ઘેરાવામાં

આ લૅન્સ જ્યારે તમારી આંખોમાં હશે ત્યારે તમારા આંસુમાંથી ડેટા કલેક્ટ કરીને અભ્યાસ અને રિડીંગ માટે ડિવાઈસને મોકલશે. આવામાં જોવાનું એ રહેશે કે દર્દીના આ ડેટા કેવી રીતે સુરક્ષિત રહેશે. જો કે ગૂગલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દરમ્યાન ડેટાની આપ-લે થશે ત્યારે ડેટા ગૂગલના કોઈ પણ સર્વરમાં જશે કે સેવ પણ નહીં થાય.

બીજો પ્રશ્ન આ ડિવાઈસની યોગ્યતા તેમ જ વાસ્તવિકતા પર પણ થાય છે. જેમ કે લોહીમાંથી લેવાતા સેમ્પલ હવે જ્યારે આંસુમાંથી લેવાશે ત્યારે આ બંનેની સરખામણી કેવી રીતે થઈ શકશે. લોકોના દિમાગમાં એ પણ ખ્યાલ આવે છે કે જ્યારે વધુ પડતાં આંસુનું વહન (જેમ કે ડુંગળી કાપતી વખતે, ભાવુક થયા હોય ત્યારે, પવનથી આંખોમાંથી આંસુ નીકળે ત્યારે) થાય ત્યારે આ લૅન્સ કેવું પરિણામ આપશે.

ડાયબીટીસની આંકડાજાળ
  • વિશ્વમાં 38.2 કરોડ લોકો ડાયાબીટીસથી પીડિત છે જે 2035 સુધીમાં વધીને 59.2 કરોડ થવાનો ખતરો છે
  • 2012માં 48 લાખ લોકો ડાયાબીટીસને કારણે મૃત્યુ પામ્યા હતાં જેનો દર આવતા વર્ષોમાં વધવાની શક્યતા છે.
  • ડાયાબીટીસના 17.5 કરોડ કેસોમાં નિદાન થયું નથી ત્યારે ખતરો વધતો રહેશે.
  • ડાયાબીટીસના દર્દીઓમાં ચીન (9.8 કરોડ) પછી ભારતનો 6.5 કરોડ સાથે બીજો નંબર છે. જ્યારે અમેરિકા 2.4 કરોડ દર્દીઓ ધરાવે છે.
  • 2013ના વર્ષમાં ડાયાબીટીસના રોગ માટે 548 અબજ ડોલર ખર્ચ કરી ચૂકવામાં આવ્યાં છે.

તમારું જીવન સરળ બનાવવા માટેના 5 ગેજેટ્સ

તાજેતરમાં જ વિશ્વનો સૌથી મોટો કન્ઝ્યૂમર ટેકનોલોજી શો CES (કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક શૉ) યોજાઈ ગયો જેમાં કેટલાંક એવાં ગેજેટ્સ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં જે ખાસ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમારી લાઈફને સ્વીટ iLife બનાવી દેશે.

1. Mother :મધર નામનું આ ડિવાઈસ છે જે એક ઢીંગલી જેવું દેખાય છે. રશિયન કંપનીનું આ ડિવાઈસ 24 મોશન-ડિટેક્ટિંગ કૂકીઝ દ્વારા તમારી વસ્તુ-ઑબ્જેક્ટની એક્શન અને હલન-ચલન પર સતત નજર રાખે છે. આ ડિવાઈસનું મધર નામ રાખવામાં આવ્યું છે તે પ્રમાણે જ કામ કરે છે જેમ કે જો આ ડિવાઈસને માલૂમ પડશે કે તમારું ટૂથબ્રશ સવારે 9 વાગ્યા સુધી હલ્યું નથી તો મધર તુરંત જ તમને જણાવશે કે બ્રશ કરો. જો આ ડિવાઈસ દવાના બોક્સ પર પડ્યું હશે તો તમને દવા લેવાનું પણ જણાવશે.

2. Sporty : સ્પોર્ટી એ ચાઈનીઝ કંપનીનું ઑલ-ઈન-વન ડિવાઈસ છે. આ એક વૉટર બૉટલ છે જેમાં ઉપરના ભાગે બ્લૂટૂથ સ્પીકર્સ છે. જ્યારે બૉટલના નીચેના ભાગમાં બેટરી પૅક છે જેનો તમે જ્યારે પાવરપૉઇન્ટ ઉપલબ્ધ ન હોય ત્યારે તમારો સ્માર્ટફોન ચાર્જ કરી શકો છો.

3.Okidokeys : આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક લૉક છે જેને તમે કોઈ પણ દરવાજામાં ઇન્સ્ટૉલ કરી શકો છો અને ત્યાર બાદ તેને તમે તમારા સ્માર્ટફૉન, સ્માર્ટ ટૅગ (ફોટો, વોઈસ કે પાસવર્ડ) કે પછી નૉર્મલ કી દ્વારા ઓપન કરી શકશો. આ લૉકનું સૌથી સુંદર ફીચર એ છે કે અમુક લોકો (અને ડિવાઈસ)ને જોઈને જ દરવાજો આપોઆપ ઓપન કરી આપે છે.

4. Footlogger : ઘણાં લોકો દોડતી વખતે પોતાના કાંડા પર સ્માર્ટ ડિવાઈસ બાંધી રાખતા હોય છે જેના દ્વારા ફિટનેસ પ્રવૃત્તિની જાણ થતી રહેતી હોય છે પરંતુ આ શરીરનો કોઈ ભાગ ન હોવાથી ખરેખર ગ્રાઉન્ડ લેવલે થતી પ્રવૃત્તિનો ખરો ખ્યાલ આવતો નથી. જ્યારે ફૂટલૉગર એ એક્ટિવિટી મોનિટર ડિવાઈસ જે જૂતાની અંદરના શોલમાં ફીટ કરાયેલું હોય છે. જેમાં એક્સલરોમીટર અને પ્રેશર સેન્સર્સ હોય છે જે 50,000 ફૂટપ્રિન્ટ્સ રેકોર્ડ કરી શકે છે. આ ડિવાઈસ દોડવા કે ચાલવાની સ્પીડ સાથે સાથે વેઈટ ડિસ્ટ્રિબ્યુશન પણ રેકોર્ડ કરે છે જે દોડવાની સ્ટાઈલને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.

5. Smart Earbuds : ઇન્ટેલની ઇન્દિરા નેગીએ સ્માર્ટ ઇયરબર્ડ્સ બનાવ્યા છે જેમાં ઑપ્ટિકલ સેન્સર મૂકવામાં આવ્યાં છે જે જ્યારે તમારા કાનમાં હોય ત્યારે હાર્ટ રેટને ચોક્સાઈપૂર્વક મોનિટર કરે છે. તેમાં એક્સલરોમીટર પણ જે તમારી હલનચલન પર પણ નજર રાખે છે. જેથી તમે જ્યારે દોડતા હોવ ત્યારે રસ્તા પરના દરેક પગલે તમારા હાર્ટ રેટની ચોક્સાઈપૂર્વક જાણ કરતું રહે છે.





Article Published on 14/12/2013 in 'Science' Supplement of Gujarat Guardian Newspaper, Surat

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links