Index Labels

Futuristic Predictions in Technology World

. . No comments:

ટેકનોજગતના જ્યોતિષીઓની આગામી આધુનિકતાની ભવિષ્યવાણી

ટેકનોલોજીની ચરમસીમા કેટલી છે અને ક્યાં છે તે કોઈ જાણતું નથી ત્યારે ટેકનોશાસ્ત્રીઓ કહી રહ્યાં છે કે હજુ આવતા ભવિષ્યમાં એવી ટેકનોલોજી આવશે જેની આપણે કદાચ જ કલ્પના કરી હશે.


વૈજ્ઞાનિકો પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચે એલિવેટર બનાવવાની ફિરાકમાં છે જેમાં તમે એક ઈમારતની લીફ્ટની જેમ જ પૃથ્વીથી અંતરિક્ષમાં જઈ શકશો અને જે માળે જવું હોય તેનું બટન દબાવવાની જેમ જ કયા ગ્રહ પર જવું છે તેનું બટન દબાવી શકશો.


ઇતિહાસના પાનાઓ ઉથલાવીને જોઈએ તો પ્રાચીનકાળથી આધુનિકયુગ સુધી કાળા માથાના માનવીએ અશક્યને શક્યમાં તબદિલ કરવાની કાબેલિયત બતાવી છે. શાહી કલમથી પેન-પેન્સિલ, ટાઈપ રાઈટર, કમ્પ્યૂટર, ટેલિફોન, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોન, પામટોપ, ટેબલેટ, રૉબોટ જેવી આધુનિકતાની સફર માનવી માણી ચૂક્યો છે. આજે આપણી એવી ઘણી વસ્તુઓનો એટલી સહજતાથી ઉપયોગ કરીએ છીએ જે દાયકાઓ અગાઉ ફક્ત આપણી કલ્પનામાં રાચતી હતી. ત્યારે ઉદાહરણ તરીકે વાત કરીએ તો પહેલાં એક જગ્યાએથી પળભરમાં બીજી જગ્યાએ જવું હોય તો ટ્રાન્સપોર્ટેશનનો સહારો લીધા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ ન હતો. પરંતુ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમે પળભરમાં ચાહો તે જગ્યાએ તમારી હાજરીનો અનુભવ કરાવી શકો છો અને તમારું કામ પાર પાડી શકો છો. જો કે આવું થઈ પણ શકશે તેવું કોઈને ખબર હતી? તો જવાબ છે ટેકનોશાસ્ત્રી, હા ટેકનોજગતના આ જ્યોતિષીઓએ આવી ઘણી ટેકનોલોજીની ભૂતકાળમાં ભવિષ્યવાણી કરી હતી જે આજે આપણા રોજબરોજના જીવનમાં અસ્તિત્વ ધરાવે છે. આ ભવિષ્યવાણીની પરંપરાનો દોર હજુ પણ યથાવત્ છે ત્યારે આજે નજર કરીશું ટેકનોશાસ્ત્રીઓ દ્વારા આવતા ભવિષ્યમાં કઈ મહત્વની ટેકનોલોજી માનવજીવનમાં (કદાચ) સ્થાન પામશે અને ક્રાંતિ સર્જશે.

અવતાર, સરોગેટ્સ, રૉબોટિક્સ

તમે કદાચ પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજાની સુપર ફ્લોપ ફિલ્મ ‘લવ-સ્ટોરી 2050’ જોઈ હોય તો તેમાં આગામી દાયકાઓમાં કેવી ટેકનોલોજી હશે તેના દર્શન કરાવ્યાં હતાં. જેમાં ખાસ કરીને પ્રિયંકા ચોપરાના પર્સનલ આસિટન્ટ તરીકે એક રૉબોટે સ્થાન લીધું હતું જે તેના દરેક કામ બખૂબી કરી તો આપતું હતું પરંતુ તેની વાતો અને ભાવનાઓને પણ સમજી શકતો હતો. જો કે રૉબોટની શોધ અને તેના પર સંશોધન લગભગ 12મી સદીથી ચાલતું આવે છે અને હજું પણ આજનો આધુનિક માનવી રૉબોટની કામગીરીથી સંતુષ્ટ થયો નથી. આગામી વર્ષોમાં એવી ટેકનોલોજી આવવા માટે તૈયાર થઈ રહી છે જેમાં સરોગેટ, અવતાર અથવા રૉબોટ ઓનલાઈન અને ટેક જગતમાં એન્ટ્રી મેળવીને તમારા બદલે તમારું જીવન જીવશે. સામાન્ય જીવનમાં જે આપણે કમ્પ્યૂટરનો ઉપયોગ કરીએ છીએ તે પણ એક પ્રકારનો રૉબોટ જ છે પરંતુ તેનાથી પણ આગળ વધીને પરિસ્થિતિ અને પ્રોગ્રામિંગના આધારે જાતે જ કાર્ય કરવા સક્ષમ એવા રૉબોટ અને અવતાર ભવિષ્યમાં આપણી સમક્ષ હાજર હશે. કહેવાય છે કે આગામી દિવસોમાં રૉબોટ પોતાની જાતે જ વિચારીને નિર્ણય લઈ કામ કરવાની સક્ષમતા તેમ જ લાગણી અને સંવેદનાઓ પણ તેનામાં ઉમેરવામાં આવશે. એક સમયે વર્ચ્યુઅલ લાઈફના મહોતાજ બનેલા રૉબોટ આજે વધુ ને વધુ સ્માર્ટ અને ઉપયોગી બન્યાં છે ત્યારે આજે મેડિકલ અને વિજ્ઞાન ક્ષેત્રે આ રૉબોટે માનવીનો ભરપૂર સાથ આપ્યો છે.

યુનિવર્સલ ટ્રાન્સલેટર્સ

આજનો માનવી બિઝનેસ, ટ્રાવેલ અને અન્ય કાર્યો માટે સાત સમંદર પાર નીકળી ચૂક્યો છે. પરંતુ વિદેશમાં સૌથી વધુ સતામણી કરતી વાત હોય તો તે છે વિદેશી ભાષામાં કમ્યુનિકેશન કરવાની. સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ 4 થી 5 ભાષાઓનું જ્ઞાન ધરાવતો હોય છે ત્યારે વિદેશી ભાષામાં વ્યવહાર કરવો મુશ્કેલ બની જાય છે. બસ, આ સમસ્યાના નિવારણરૂપે તેમ જ ટેકનોલોજીની એક નવી સિદ્ધિરૂપે ટેકનોએકસ્પર્ટ એવી શોધ કરી રહ્યાં છે જેમાં યુનિવર્સલ ટ્રાન્સલેટર હોય. માઈક્રોસોફ્ટે આ દિશામાં પહેલ કરી છે અને એવું ડિવાઈસ બનાવ્યું છે જેમાં તમે તમારી મૂળ ભાષામાં વાત કરતા હોવ પરંતુ તેની 26 ભાષાઓમાંથી તમે ચાહો તે ભાષામાં તેનું રિયલ ટાઈમમાં ભાષાંતર કરાવી શકો છો અને તે પણ મહદ્ અંશે તમારા જ અવાજમાં. આ ટેકનોલોજી બને ત્યાં સુધી બોલનારનો અવાજ, ઉચ્ચાર અને લઢણને સારી રીતે સાચવી રાખે છે. આમ થવાથી જુદી જુદી ભાષાઓ બોલનારા બે વ્યક્તિઓ પોતાની જ મૂળ ભાષામાં બોલીને તેમ જ સમજીને યોગ્ય રીતે વાર્તાલાપ કરવામાં સક્ષમ બનશે. આ ટેકનોલોજીનો ટૂંક સમયમાં જ તમે ઉપયોગ કરતા હશો તો તેમાં જરા પણ આશ્ચર્યની વાત નથી. આ ઉપરાંત યુ.કેની એક યુનિવર્સિટી કમ્પ્યૂટર કે મોબાઈલના કેમેરા દ્વારા સાઈન લેંગ્વેજને યુનિવર્સલી ટ્રાન્સલેટ કરી શકાય તે દિશામાં કામ કરી રહી છે જે શ્રવણશક્તિ ન ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ડાર્ક નેટવર્ક્સ

આજે જ્યારે ઇન્ટરનેટ દ્વારા સમાન સાયબરસ્પેસ અને સોશ્યલ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે દુનિયા નાની બનતી જતી લાગી રહી છે. આપણને પસંદ હોય કે ન હોય પરંતુ આપણે પોતે હેકર્સ માટે એક મોટા પ્રમાણમાં માહિતીનું કલેક્શન બનતા જઈએ છીએ. ઇન્ટરનેટ પરની આપણી તમામ માહિતીઓ અને ડેટા અવી જગ્યાએ છે જ્યાં આ કમ્પ્યૂટરના આતંવાદીઓ સમાન હેકર્સ પણ તેનો એક્સેસ મેળવી શકે છે જેનો દુરપયોગ કરીને તેઓ કંઈ પણ ખોટું કામ કરી શકે છે. Anonymous આવા જ પ્રકારનું એક ગ્રુપ છે જે હેક્ટિવિઝમ (કમ્યૂટર કે કમ્પ્યૂટર નેટવર્ક્સ દ્વારા રાજકીય, ફ્રીડમ સ્પીચ તેમ જ હ્યુમન રાઈટ્સ જેવા કામને પ્રમોટ કરવાની પ્રવૃત્તિ) પ્રવૃત્તિ હેઠળ કાર્યરત છે જેણે ઘણીવાર પોલિટિકલ અને ફાયનાન્સિયલ સંસ્થાઓની સાઈટને હેક કરવાની કોશિશ કરી છે. અમેરિકા જેવા વિકાસશીલ દેશોમાં જ્યારે પાણી અને વીજળી જેવી સેવાઓનો વ્યવહાર ઇન્ટરનેટ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં આવા સાયબર એટેક્સનું પ્રમાણ વધશે તો ઘણું નુકસાન થવાની સંભાવના છે. ડાર્ક નેટવર્ક એક પ્રકારનું અલગ ઇન્ટરનેટ નેટવર્ક છે જેમાં અમુક ગ્રુપ દ્વારા પોતાની જ લીઝ લાઈન કે ફાઈબર કેબલનું પ્રાઈવેટ નેટવર્ક હોય છે. ગૂગલ જેવી મોટી કંપનીઓ તેમ જ મોટા સર્વર્સ ધરાવતી કંપનીઓ સિક્યોરિટી માટે આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરતાં હોય છે.

નેનોટેકનોલોજી

આપણે આ નેનોટેકનોલોજી શબ્દ કદાચ સાંભળ્યો હશે પરંતુ ભાગ્યે જ આ શું છે તેની કોઈને ખબર હશે. નેનોટેકનોલોજીને સમજવી હોય તો સૌપ્રથમ તેની માપપદ્ધતિને સમજીએ એટલે મોટાભાગનો ખ્યાલ આવી જાય. 1 મીટર બરાબર100 સેન્ટિમીટર, 1000 મિલિમીટર અને 10,00,000 માઈક્રોમીટર થાય છે ત્યારે નેનોસ્કેલની સરખામણી કરીએ તો 1 મીટર = 1,00,00,00,000 nm (નેનોમીટર) થાય છે જે પ્રકાશના તરંગો કરતા પણ પાતળું છે તેમ જ માણસના વાળ કરતા સો-હજાર ગણી મોટું છે.

હવે તમને એમ થશે આટલી સૂક્ષ્મ એવી નેનોટેકનોલોજી ભવિષ્ય અને ટેકનોલોજી પર શું અસર થશે? તો જવાબ છે લગભગ દરેક ક્ષેત્રમાં આ ટેકનોલોજી કામ લાગશે – એન્જિનિયરિંગ, મેડિકલ ડિવાઈસ, ઇમેજિંગ, કમ્પ્યૂટિંગ જેવા ક્ષેત્રે સંશોધન કરવા માટે ઉપયોગી સાબિત થશે. વાસ્તવમાં મેડિકલ દુનિયામાં નેનોમેડિસીન દિશામાં પ્રયોગો ચાલુ થઈ ગયા છે. કારણકે ઘણી બીમારીઓ અને ખોડ-ખાંપણ શરીરના કોષીય આધારિત બની જાય છે અને ત્યાર બાદ જિનેટીકલી વૃદ્ધિ પામે છે. નેનોટેકનોલોજી સક્ષમ છે કે આખા શરીરમાં બીમારી ફેલાઈ હોવા ઉપરાંત બીમારીના મૂળ કેન્દ્ર પર પહોંચી સારવાર કરી શકે. આ નેનોટેકનોલોજી પ્રતિકારક અને ઉપચારક બંને રીતે કામ કરશે કારણકે તેનાથી સારવાર સૌથી નાની જગ્યાએ તેમ જ મૂળ કેન્દ્ર સુધી પહોંચશે. ન્યૂરોસર્જરી અને……આ ઉપરાંત ભવિષ્યમાં નેનોફેક્ટરીનું સર્જન પણ થશે જેમાં ટુલ્સ અને મશીનોને શક્ય તેટલાં નાની સાઈઝમાં તબદીલ કરવામાં આવી શકે છે.

ન્યૂરોહેકિંગ
 

એ દિવસ દૂર નથી જ્યારે તમે કોઈને કહેશો કે હું તમારું દિમાગ વાંચી નથી શકતો અને સામેથી જવાબ આવશે “ઓહ, પ્લીઝ સ્ટોપ, તમે વાંચી શકો છો”. લાગે છે ને તમને નવાઈ? પરંતુ આવું શક્ય બનશે. વ્યક્તિના દિમાગને મશીન દ્વારા વાંચવા માટે ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રયત્નો કરી રહ્યાં છે અને તેની ઘણી ખરી પ્રોગ્રેસ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના સંશોધકોને મળી પણ છે. દિમાગની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને મગજતરંગો દ્વારા રૂપાંતરિત કરવાથી ગાંડપણના દરદીઓને મદદ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ન્યૂરોટ્રાન્સમીટર્સ (જે દિમાગમાંથી એક પ્રકારના કેમિકલ દ્વારા મજ્જતંતુઓ સુધી પહોંચાડતા હોય છે) પ્રવાહિત વિચારોને સમજી શકાય એવી સ્પીચમાં કન્વર્ટ કરે છે અથવા વિચારોને ભૂલી ન જવાય તેવા શક્ય તેટલા લાંબા સમય સુધી પકડી રાખે છે.

સૌથી વધુ આપણને હેરાન કરી શકે તેવી વાત છે એ છે કે વિજ્ઞાન અને મશીન ટૂંક સમયમાં જ આપણા મનની અંદરના વિચારોમાં પ્રવેશ મેળવશે. આ ઉપરાંત ન્યૂરોહેકિંગને આગળના ભવિષ્યમાં ન્યૂરોમાર્કેટિંગની નજરે પણ જોવામાં આવે છે જેમાં માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ દ્વારા લોકોની ઇચ્છા અને માંગને ધ્યાનમાં રાખીને લોકોના દિમાગને ટાર્ગેટ કરવામાં આવશે.

ચંદ્ર, મંગળ અને વધુ?

 

અંતરિક્ષ સંશોધન માટે સૌથી વધુ કાર્યરત એવી અમેરિકાની સંસ્થા NASAએ સૂર્યમંડળના ચંદ્ર ઉપર સેટેલાઈટ તેમ જ માનવોને મોકલી પોતાનો અડ્ડો જમાવ્યો છે. ત્યાર બાદ આગળ વધીને ઓગસ્ટ 2012માં મંગળ ઉપર ક્યુરિયોસિટ રોવર પણ મોકલી આપ્યું છે. અને હવે આગળ જતાં ભવિષ્યમાં ‘ઇતિહાસનું સૌથી પાવરફૂલ રોકેટ’ લૉન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. પરંતુ હવે ચંદ્ર ઉપર નાસા, ઇસરો અને અન્ય સંસ્થાઓની અવરજવર સામાન્ય બની ગઈ છે ત્યારે હવે વ્યક્તિગત અને કંપનીઓ પણ પ્રવાસર્થે ચંદ્ર પર જવાનું પસંદ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ ટૂર ઓન ધ મૂન શરૂ થઈ જશે.

રસપ્રદ વાત કરીએ તો વૈજ્ઞાનિકો પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચે એલિવેટર બનાવવાની ફિરાકમાં છે જેમાં તમે એક ઈમારતની લીફ્ટની જેમ જ પૃથ્વીથી અંતરિક્ષમાં જઈ શકશો અને જે માળે જવું હોય તેનું બટન દબાવવાની જેમ જ કયા ગ્રહ પર જવું છે તેનું બટન દબાવી શકશો. જો કે આવી સ્વપ્ન સમાન સવલત જો હકીકતમાં આકાર લેશે તો પણ હજુ તે ચાર-પાંચ દાયકા દૂર છે. સંશોધકો આ બાબતે ચર્ચા કરી રહ્યાં છે જેમાં 62,137 માઈલ (એક લાખ કિલોમીટર) લાંબી રિબન હશે જે પૃથ્વી અને અંતરિક્ષની વચ્ચે જોડાયેલી હશે જેમાં એન્કર સ્ટેશન પણ હશે.

ઝીરો સાઈઝ ઇન્ટેલીજન્સ

કોઈને પણ ઇન્ટેલીજન્સમાં ઝીરો કહે તે પસંદ નહી હોય પરંતુ કમ્પ્યૂટિંગમાં ઝીરો-સાઈઝ ઇન્ટેલીજન્સ એટલે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ એવા પેકેજમાં પેકિંગ કરેલા એવા સેંકડો દિમાગ. એક જમાનામાં ઘર જેટલાં મોટા કમ્પ્યૂટર હતાં ત્યારથી ધીમે ધીમે પોતાની જાતને મોડર્ન અને શિસ્તબદ્ધ બનાવતા ડેસ્કટોપ, લેપટોપ, પામટોપ જેવાં વાજબી સાઈઝમાં તબદિલ થવા લાગ્યાં. પરંતુ ટેકનોશાસ્ત્રીઓ માની રહ્યાં છે કે ભવિષ્યમાં આ કમ્પ્યૂટરની સાઈઝ લગભગ નહિવત્ સમાન ઝીરો થઈ જશે જેને નરી આંખે જોવું પણ મુશ્કેલ બનશે. આવતા 10-20 વર્ષની અંદર કમ્પ્યૂટરના દિમાગ (ચીપ) ફક્ત પાંચ અણુઓ અને કેટલાંક એક જ અણુમાંથી બનેલા હશે.

આ વખતે આપણે હાર્ડ-ટેકનોલોજીના ભવિષ્યની વાત કરી છે ત્યારે ક્યારેક ફરી વખત વાત કરીશું લૉ-ટેક ભવિષ્યની.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links