ગૂગલ 'ડૂડલ્સ' આ શબ્દ તમારા માટે નવો હોઈ શકે. પરંતુ તમે અવારનવાર ઇન્ટરનેટ પર તેને જોતાં હોવ છો અને તેને જોતાં જ એકસો ને એક ટકા ક્રિએટીવિટીની કદર કરવાનું મન થઈ જાય. હા, વાત થાય છે વાર-તહેવારે રંગ બદલતા ગૂગલના લોગો એટલે કે 'ડૂડલ્સ'ની. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે કે આ નીતનવા ડૂડલ્સ આવે છે ક્યાંથી અને કોણ બનાવે છે?
વર્ષ 1998માં રજૂ થયેલું સૌ પ્રથમ ગૂગલ ડૂડલ
ગૂગલની વેબસાઈટ ઓપન કરીએ એટલે લગભગ રોજ નવા ડૂડલ્સ (લોગો) જોવા મળે. તમે જોયું હશે કે ગૂગલનો લોગો જે-તે પ્રસંગે એકદમ અલગ દેખાતો જોવા મળે છે. કોઈ વાર ચાર્લી ચેપ્લીનને યાદ કરતો લોગો, તો ક્યારેક નાતાલ ઉજવતો સાંતાક્લોઝ ગૂગલના લોગોમાં ઝળકી ઉઠતો હોય છે. આ ઉપરાંત એનિમેટેડ લોગોમાં તો ગૂગલ જાણે ક્રિએટીવ કંપની હોય તેમ લોગોમાં ગજબની કારીગરી દેખાતી હોય છે. તમને યાદ હશે કે ચંદ્રગ્રહણ વખતે ગૂગલનો લોગો કેવો થઈ ગયો હતો? પછી હાલમાં જ ગૂગલના લોગોની જગ્યાએ લેસ પોલની યાદમાં ગિટારનું ઓબ્જેક્ટ મૂકવામાં આવ્યું હતું જેને કીબોર્ડ તેમ જ માઉસ દ્વારા વગાડી શકાતું હતું. અરે હા, અને પેલા પેક-મેનના લોગોને કેમ ભૂલી શકાય જેમાં તમે ઓફિસ ટાઈમમાં રમવામાં કલાકો કાઢયાં હતાં. આજે ગૂગલના આ ડૂડલ્સ ઇન્ટરનેટ કલ્ચરનો એક ભાગ બની ગયો છે. બસ, તો આવો વધુ જાણીએ આ ગૂગલના ડૂડલ્સ વિશે.
ડૂડલનો ઇતિહાસ
વર્ષોથી ગૂગલના લોગો અવારનવાર પ્રસંગોએ બદલાયેલ દેખાતા હોવાથી યુઝર્સને પણ હવે ર્સિંચગ કરવાની સાથે સાથે ફન અને એન્જોયમેન્ટ મળે છે. શરૃઆતમાં જ્યારે ગૂગલ ડૂડલને મૂકવામાં આવ્યું હતું ત્યારે કોઈને અંદાજો પણ ન હતો કે આટલી હદ સુધી તે લોકપ્રિય બની જશે. આજે પરિણામ એ છે કે ઘણાં યુઝર્સ નવા ડૂડલ્સની રાહ જોઈને બેસી રહ્યાં હોય છે તેમ જ કેટલાંક તેને સાચવીને મૂકી પણ રાખતાં હોય છે.
ડૂડલ્સ ખાસ કરીને હોલિડે, એનિવર્સરી, વૈજ્ઞાનિક, આર્ટીસ્ટ તેમ જ અન્ય મહાન વ્યક્તિઓ વગેરેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતાં હોય છે. ડૂડલ્સ ટીમ લોગો પર પોતાની કલાગીરી દેખાડવા માટે ક્યારેય પણ કોઈ ઈવેન્ટ છોડતાં નથી. આજે ગૂગલ કંપની તરીકે ડૂડલ્સને પોતાની બ્રાન્ડનો એક ભાગ માને છે. તેમ જ તેઓ માને છે કંપનીની ક્રિએટીવ અને ઈનોવેટીવ પર્સનાલિટી ડેવલપ કરવામાં પણ ડૂડલ્સનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
કેવી રીતે આવ્યો ડૂડલનો આઈડયા?
વર્ષ ૧૯૯૮માં ગૂગલના ડૂડલનો જન્મ થયો હતો. જ્યારે ગૂગલ કંપનીના માલિક લેરી અને સર્જે બંનેએ ગૂગલના કોર્પોરેટ લોગો સાથે થોડો બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેઓ નેવાડાના રણમાં 'બર્નીંગ મેન ફેસ્ટિવલ' હાજરી આપવા જઈ રહ્યાં છે અને તેઓ આઉટ ઓફ ઓફિસ હશે તે જણાવવા માટે ગૂગલના લોગોમાં ચેન્જ કરવામાં આવ્યો હતો. Google ના બીજા O પાછળ સ્ટીક લઈને ઉભેલો એક માણસ મૂકવામાં આવ્યો હતો જેનો મેસેજ હતો 'આઉટ ઓફ ઓફિસ'. જો કે આ લોગોની હરકત લોકોને પસંદ આવી અને ત્યાર બાદ સિલસિલો શરૃ થયો.
એક વખતે વર્ષ ૨૦૦૦માં ગૂગલના માલિકે હાલના વેબમાસ્ટર અને તે સમયના ઈન્ટર્ન ડેનિસ વાંગને Bastille Day માટે લોગો તૈયાર કરવા કહ્યું. પરિણામથી ખુશ થયેલા લેરી અને સર્જેએ ડેનિસને ગૂગલનો ચીફ ડૂડલર તરીકે નિમણૂક કરી દીધી હતી. શરૃઆતમાં ડૂડલ્સ ફક્ત મોટી રજાઓના દિવસે જ મૂકાતાં પરંતુ હવે લગભગ દરેક ઈવેન્ટ અને દિવસને આવરી લેવામાં આવે છે.
કોણ બનાવે છે ડૂડલ્સ?
ગૂગલ પર અવારનવાર ચિત્ર વિચિત્ર દેખાતા મોટા ભાગના લોગો ગૂગલના કર્મચારી ડેનિસ વાંગ દ્વારા બનાવાયા છે. હાલમાં તો ગૂગલ પાસે ડૂડલ્સ બનાવવા માટે એક ટેલેન્ટેડ ડિઝાઈનર્સની ટીમ છે જે હંમેશા નવા નવા લોગો બનાવવા માટે કાર્યરત રહેતી હોય છે. ટીમની જેનિફર હોમનું કહેવું છે કે "ડૂડલ બનાવવું એ એક આશ્ચર્ય અનુભવવા જેવું છે. વળી, તેને બનાવવા માટે જોઈતો સમય પણ ખૂબ ચેલેન્જીંગ હોય છે. નાસાએ જ્યારે ૨૦૦૯માં ચંદ્ર પર પાણી હોવાના સંકેત આપ્યા હતાં ત્યારે આ વિષય પર લોગો બનાવવાનું મને લંચ ટાઈમમાં કહેવામાં આવ્યું હતું. જેની માટે મારી પાસે માંડ ૪ કલાક જેટલો જ સમય હતો."
આ ડૂડલ્સના આઈડયાનો જન્મ ગૂગલના ૨૮૦૦૦થી વધુ કર્મચારીઓ, યુઝર્સ અને સમાચારોમાંથી થાય છે. ડૂડલ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે અને ગૂગલ ટીમને મોકલી શકે છે જ્યાં પસંદગીને આધારે સિલેક્ટ કરવામાં આવે છે. proposals@google.com પર ઈમેલ કરીને તમે તમારો ડૂડલ ગૂગલને સબમીટ કરી શકો છો. ૧૯૯૮થી લઈને અત્યાર સુધી ગૂગલ પાસે લગભગ ૧૦૦૦થી પણ વધુ ડૂડલ્સ છે જેને ગૂગલની સાઈટ ઉપર લાઈવ મૂકવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ગૂગલ જુદા જુદા દેશોમાં 'ડૂડલ ફોર ગૂગલ'ની કોમ્પિટિશન પણ રાખે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની મુજબ લોગો બનાવે છે. ગૂગલના ડૂડલ્સ ગૂગલની વેબસાઈટ પર દરેક દેશમાં જે-તે દેશની ઈવેન્ટ મુજબ દેખાતાં હોય છે. મોટી ઈવેન્ટ હોય ત્યારે જ ગ્લોબલી એક જ લોગો દેખાતો હોય છે.
ગૂગલના ટોપ 5 ડૂડલ્સ
૧. પેક-મેન - મે ૨૨, ૨૦૧૧
લોકપ્રિય ગેમ પેક મેનની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે ગૂગલે પોતાના લોગોની જગ્યાએ પેક-મેનની લાઈવ ગેમ જ મૂકી દીધી હતી. જે ખાસી લોકપ્રિય થઈ હતી અને યુઝર્સે સારો આવકાર આપ્યો હતો આ નવતર પ્રયોગને. આ જ કારણોસર ગૂગલે આજની તારીખમાં પણ તેને અલાયદી વેબસાઈટ www.google.com/pacman પર મૂકી રાખી છે.
૨. લેસ પોલના જન્મદિન નિમિત્તે ગિટાર ઓબ્જેક્ટ - ૯ જૂન, ૨૦૧૧
જાણીતા ગિટારિસ્ટ લેસ પોલના ૯૬મા જન્મદિવસે ગૂગલે લોગોની જગ્યાએ ગિટારનું લાઈવ ઓબ્જેક્ટ મૂક્યું હતું. જેને કીબોર્ડ અને માઉસ બંને દ્વારા વગાડી તેમ જ રેકોર્ડ પણ કરી શકાતું હતું. www.google.com/logos/2011/lespaul.html પર હાલ હજું પણ આ જોવા મળે છે.
૩. લ્યુનર એક્લિપ્સ - જૂન ૧૫, ૨૦૧૧
સદીની સૌથી લાંબુ અને ગાઢ ચંદ્રગ્રહણ જૂન ૧૫, ૨૦૧૧ના રોજ હતું અને તેના આધારે જ ગૂગલે પણ પોતાના લોગોમાં ચંદ્રગ્રહણના દર્શન કરાવ્યાં હતાં.
૪. ચાર્લી ચેપ્લીન - એપ્રિલ ૧૬, ૨૦૧૧
ચાર્લી ચેપ્લીનના ૧૨૨માં જન્મદિવસ નિમિત્તે ગૂગલે ચેપ્લીનના જેવા દેખાતા માણસને લઈને એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. જેને ગૂગલના લોગોની જગ્યાએ દર્શાવવામાં આવી હતી. ગૂગલનો આ સૌ પ્રથમ વિડીયો ડૂડલ હતો.
૫. ગાંધી જ્યંતિ - ઓક્ટોબર ૨, ૨૦૦૯
મહાત્મા ગાંધીની ૧૪૦મી જન્મજયંતિ દરમ્યાન ગૂગલે બાપુના ચિત્રને ગૂગલના લોગોમાં દર્શાવ્યો હતો.
ગૂગલના વર્ષ ૧૯૯૮થી માંડીને અત્યાર સુધીના દરેક ડૂડલ્સને જોવા હોય તો www.google.com/logos પર લોગઓન કરો.
Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=318882

No comments:
Post a Comment