
અમેરિકાના ટોચના સરકારી અધિકારીઓના જી-મેઈલ હેક થવાના સમાચાર હજુ થોડા દિવસ પહેલા જ આવ્યા. ધૂરંધર ગણાતા અધિકારીઓના જીમેલ એકાઉન્ટ સેફ નથી તો પછી તમારા કે મારા એકાઉન્ટની તો વાત જ ક્યાં કરવી? માટે વધુ વિચાર્યા વગર જીમેલને સેફ રાખવા માટે કયાં સાવચેતીનાં પગલાં લેવાં તેની વાત કરી લઈએ.
ઈમેલ એકાઉન્ટની સિક્યોરિટી અને સાવચેતીની વાત કરીએ તો ફક્ત મજબૂત પાસવર્ડ રાખી દીધો તેટલાથી નહીં ચાલે. આ ઉપરાંત ઘણી એવી બાબતો છે જેનો તમારે ખ્યાલ રાખવો જરૂરી રહેશે.
હંમેશાં લોગ-ઈન કરતાં પહેલાં URL ચેક કરો
તમે જ્યારે પણ જીમેલમાં લોગ-ઈન કરો ત્યારે ખાસ તેની ઇન્ ચેક કરવાની એક ટેવ પાડો. બને ત્યાં સુધી જીમેલ ઓપન કરવા માટે કોઈ લિંક પર ક્લિક કરવાને બદલે જાતે જ એડ્રેસ બારમાં ટાઈપ કરવાનું રાખો, કારણ કે ઘણાં એવાં ભેજાંબાજો છે જે ડિટ્ટો જીમેલની રેપ્લિકા બનાવી લિંક જુદી જુદી રીતે ફેરવીને યુઝરને ફાંસવાની કોશિશ કરતા હોય છે. જેના દ્વારા કોડ અને અન્ય સ્ક્રિપ્ટ છૂપી રીતે ઈન્સ્ટોલ કરાવી દેતા હોય છે. જેથી જ્યારે પણ તમે આ પેજ ઉપર લોગ-ઈન કરો ત્યારે જીમેલ તો ઓપન ન થાય પરંતુ તમારો યુઝરનેમ અને પાસવર્ડ હેકરને ઈમેલ થઈ જતાં હોય છે. આ ઉપરાંત Https:// થી લિંક શરૂ થાય છે તેની પણ ચકાસણી કરો જે લિંક સુરક્ષિત હોવાનો સિમ્બોલ છે.
ગમે ત્યાં ઇમેલ ચેક કરવાનું ટાળો. પબ્લિક કમ્પ્યુટર પર તેમ જ સાયબર કાફેમાં ઇમેલ ચેક કરવાની પ્રક્રિયા પર થોડો અંકુશ રાખો અને બને તો કરો જ નહીં, કારણ કે એવાં ઘણાં સોફ્ટવેર્સ છે જે તમે શું ટાઈપ કરો છો તેમજ કમ્પ્યુટર પર શું પ્રક્રિયા કરો છો તેના સ્ક્રીનશોટ વગેરે જેવી માહિતી ભેગી કરીને જે-તે વ્યક્તિને ઇમેલ કરી શકે છે.
સેકન્ડરી ઈમેલ પર ઈમેલ ફોરવર્ડ કરાવો
જો તમારે સાયબર કાફેમાં ઇમેલ ચેક કરવા જ પડે તેવી પરિસ્થિતિ છે? ઈમરજન્સીમાં પબ્લિક કે અન્યના કમ્પ્યુટર પર ઇમેલ ચેકિંગની ફરજ પડે છે? કે પછી કોઈ ટાઈપિંગ રેકોર્ડ કરે તેવાં સોફ્ટવેર્સથી બચવું હોય તો આવા સંજોગોમાં એક સેકન્ડરી ઇમેલ બનાવી રાખો. તેમ જ આ ઇમેલ પર તમારા મેઈન એકાઉન્ટના ઈમેલ્સ ફોરવર્ડ કરાવી દો. ત્યાર બાદ પબ્લિક પ્લેસ પર તમારું સેકન્ડરી ઈમેલ એકાઉન્ટ ચેક કરવાનું રાખો તેમજ ચેક કર્યા બાદ ડિલીટ કરી દેવાની ટેવ પાડો. આ માટે આટલું કરો.
- જીમેલ કે અન્ય કોઈ બીજું ઇમેલ એકાઉન્ટ બનાવો જેનો પાસવર્ડ તમારા મેઈન એકાઉન્ટથી મેચ ન થાય તેવો રાખો.
- તમારા મેઈન જીમેલ એકાઉન્ટમાં લોગ-ઈન થાઓ અને જમણે ઉપર ખૂણામાં Settings પર ક્લિક કરો.
- ત્યાર બાદ “Forwarding and POP/IMAP” ટેબ પર ક્લિક કરો.
- આ પછી “Forward a copy of incoming mail to” ઓપ્શન સિલેક્ટ કરી તમારું સેકન્ડરી ઈમેલ એડ્રેસ એન્ટર કરી દો.
ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા હવે તમારા મેઈન એકાઉન્ટના દરેક ઈમેલ સેકન્ડરી એકાઉન્ટ પર પણ આવતાં રહેશે. જેથી હવે જ્યારે પણ પબ્લિક પ્લેસ પર ઇમેલ ચેક કરવાનું થાય તો સેકન્ડરી ઇમેલ ચેક કરો. અલબત્ત, આ સેકન્ડરી ઇમેલમાં મહત્ત્વના ઇમેલ કે યુઝરનેમ-પાસવર્ડ જેવી માહિતી સેવ કરી ન રાખશો અને ઇમેલ રેગ્યુલર ડિલીટ કરતાં રહો. પ્રક્રિયા થોડી અઘરી અને કંટાળાજનક લાગે છે, પરંતુ સલામતી માટે આટલું તો કરી જ શકીએ.
રેગ્યુલર જીમેલ એકાઉન્ટની એક્ટિવિટી મોનિટર કરતાં રહો
તમે જ્યારે જીમેલ ઈનબોક્સ ઓપન કરશો ત્યારે સૌથી નીચે સેન્ટરમાં થોડીક માહિતી લખેલી દેખાશે જેમાં “Last account activity: 17 hours ago at IP” એમ કરીને આઈપી એડ્રેસ લખેલું હશે તેમ જ તેની બાજુમાં Details ની લિંક હશે. જેના પર ક્લિક કરતાં એક વિન્ડો ઓપન થશે જ્યાં તમારા જીમેલના છેલ્લા અમુક ટ્રાન્ઝેક્શન્સની માહિતી આપેલી હશે જેમ કે શેના દ્વારા તમારું જીમેલ એક્સેસ થયું છે, તેમજ IP Address, શહેર અને તારીખની માહિતી આપે છે. જેના દ્વારા તમે સરળતાથી ચેક કરી શકો છો કે કોઈ શંકાશીલ જગ્યાએથી તમારી જાણબહાર જીમેલ એક્સેસ થયું છે કે નહીં. સમયાંતરે આ પ્રક્રિયા કરતાં રહો અને નજર રાખો.
શંકાશીલ લિંક્સ પર ક્લિક ન કરો
બને ત્યાં સુધી જીમેલમાં આવતાં શંકાશીલ તેમજ ફિશિંગ માટે થતાં ઈમેલની લિંક પર ક્લિક કરવાનું ટાળો. ઘણી વાર ચાલાક હેકર્સ ગૂગલના નામથી જ એવા ઈમેલ પણ મોકલતા હોય છે કે સિક્યોરિટી હેતુથી જીમેલનો તમારો પાસવર્ડ ચેન્જ કરો. આ પ્રકારની હરકતથી યુઝરને પોતાની જાળમાં ફસાવી દે છે અને જે-તે લિંક ઉપર ક્લિક કરવાનું જણાવવામાં આવતું હોય છે. આવા સંજોગોમાં ખાસ કરીને ધ્યાન રાખવું કે સૌપ્રથમ તો લિંક પર ક્લિક ન કરો. જો આવી કોઈ માહિતી હશે તો ગૂગલ તેના યુઝરની સિક્યોરિટી માટે જીમેલમાં જ લોગ-ઈન કરો ત્યારે તે વખતે જ પાસવર્ડ ચેન્જ કરવાની સલાહ આપતું હોય છે આ માટે કોઈ પણ પ્રકારના ઈમેલ ઐલટ્ર્સ મોકલતું હોતું નથી.
Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=298815
No comments:
Post a Comment