ફેસબુકઃ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ સામે પર્સનલ ડેટા મુદ્દે ગંભીરતા ન રાખવા બદલ બળવો પોકારાયો છે. ત્યારે ૩૧ મે, ૨૦૧૦ની તારીખને પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનો દિવસ - ‘Quit Facebook Day’ નક્કી કરવામાં આવ્યો છે.
૧૦ વર્ષનું ટેણિયું બોલ્યું “મને સાઈકલ જોઈએ છે, જો નહીં મળે તો હું રડીશ”, એમ્પ્લોયીએ બોસને કહ્યું “બોસ વર્ષ થઈ ગયું હવે તો પગાર વધારો”, “આજે મુવી જોવા અને બહાર જમવા લઈ જાઓ ને” આ છેલ્લું વાક્ય કોણ બોલે છે તે કહેવાની જરૃર લાગતી નથી, કારણ કે યુ આર સ્માર્ટ રીડર. દરેક વાક્યો માંગ રજૂ કરતાં છે અને જો આમાંની એકેય માંગ પૂરી ન થાય તો પોતપોતાની રીતે બળવો કરવામાં આવે, બરાબર ને. જો કે હવે આવું જ કંઈ ઈન્ટરનેટ ઉપર પણ થવા લાગ્યું છે. ઈન્ટરનેટ ઉપર ખરીદી-વેચાણ, ન્યૂઝ રીડિંગ, ફોન કોલ્સ, લગ્ન મુરતિયા અને વહુ પણ મળી રહેતાં હોય તો પછી તેની ઉપર બળવો કે વિરોધ કરનારા પાછાં કેમ પડે?
ફેસબુક સાઈટથી નારાજ આવા જ બે કેનેડાના જોસેફ ડી અને એમ મિલાને ફેસબુક સામે બળવો પોકાર્યો છે અને એ પણ એકદમ ફૂલટુ ઈ-સ્ટાઈલથી. આ બંનેએ વિરોધ કરવા તેમ જ લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટે www.quitfacebookday.com નામની વેબસાઈટ બનાવીને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવા માટે ૩૧ મે, ૨૦૧૦ની તારીખ નક્કી કરી છે. તેઓ ફેસબુકથી નારાજ એટલે થયા છે, કારણ કે તેમનું માનવું છે કે ફેસબુક યુઝર્સના ડેટાની સિક્યોરિટી ન રાખી અન્ય થર્ડ પાર્ટીઓ સાથે યુઝરની સંમતિ વિના વહેંચે છે. આ કેનેડિયનોએ બનાવેલી સાઈટ પર ફેસબુકમાંથી વિદાય કેમ લેવી તથા આ સાઈટનો અન્ય વિકલ્પ કયો છે વગેરે વગેરે માહિતી આપેલી છે.
હાલમાં જ ફેસબુકે પોતાની પ્રાઈવસી પોલિસીમાં બદલાવ કર્યો છે તેમ જ અમુક થર્ડ પાર્ટી એપ્લિકેશનનો સમાવેશ કર્યો છે. જેના દ્વારા યુઝરની માહિતી તેની સંમતિ વગર અન્ય મેળવી શકે છે. તેમ જ તેનું પ્રાઈવસી સેટિંગ પણ ખૂબ જ અટપટું બનાવ્યું હોવાનું પણ માનવામાં આવે છે જેથી સામાન્ય યુઝર જલદીથી તેમ જ સરળતાથી સેટિંગ્સ બદલી ન શકે.
ફેસબુકની લોકપ્રિયતા અને તેના ૪૦ કરોડ ચાહકોની સંખ્યાને જોતાં કદાચ ૩૧ મે, ૨૦૧૦ના રોજ કેટલાંક યુઝર્સ વિદાય લેશે તો દરિયામાંથી લોટો પાણી ખાલી થશે તેમ લાગશે, કારણ કે ઈન્ટરનેટના રસિયાઓ માટે ફેસબુક એ દારૃ અને ધૂમ્રપાન જેવી લત છે જે જલદીથી છૂટી શકે તેમ નથી. જો કે આ વેબસાઈટ પર ફેસબુક છોડવા માટે રિમાઈન્ડર આપવા તથા આ ઝુંબેશમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભાગ લેનારાઓનો આંકડો ૭૪૦૦ ની આસપાસ પહોંચ્યો છે.
ઈન્ટરનેટ નિષ્ણાતોના મતે પણ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાને લઈને ગંભીર નથી તેમ જણાવાઈ રહ્યું છે. આપણે ગયા અંકમાં ઈન્ટરનેટ પર અંકુશ મુકાવો જોઈએ તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી ગયા. જેમાં ‘ઓપન માઈન્ડ’ અને આપણાં ‘માનીતા’ (અનુકરણ બાબતે) ગણાતા પશ્ચિમી દેશો પણ જ્યારે હવે ઈન્ટરનેટના ખુલ્લા મેદાનમાં ડર અનુભવી રહ્યા છે ત્યારે ફેસબુક પણ જો યુઝર્સની માહિતી વિશે ગંભીરતા નહીં દાખવે તો આજ નહીં તો કાલે આ દરિયો ખાલી થવો જ રહ્યો. જો કદાચ તમે પણ ફેસબુકની આ આદતથી પીડાતા હોવ અને એકાઉન્ટ ડિલીટ કરવાનું ઈચ્છતા હોવ તો ફેસબુકની હેલ્પમાં તેની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી છે. યુઝરની પર્સનલ માહિતીની પોલિસી બાબતે ફેસબુક સુધરી જાય તો સારું નહીં તો તેના યુઝરને ફેસબુકમાંથી આત્મહત્યા કરતાં કોઈ નહીં રોકી શકે.
No comments:
Post a Comment