Index Labels

Youtube completes 5 years of success!

. . No comments:
ડિનર પાર્ટીમાં ઉદ્ભવેલા વિચારે જન્મ આપ્યો વિશ્વની સૌથી લોકપ્રિય વેબસાઈટ - YouTubeના પાંચ વર્ષ

ઓનલાઈન વિડીયોનો પર્યાય બની ચૂકેલી વેબસાઈટ એટલે યૂટયુબ. ચેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ નામના ઓનલાઈન કંપની પે-પલના ત્રણ નૌજવાનોએ યુટયૂબ નામની આ વેબસાઈટને પાંચ વર્ષ પહેલાં અંજામ આપ્યો હતો.

ઓનલાઈન વિડીયો જગતમાં ક્રાંતિ લાવનાર આ વેબસાઈટનો જન્મ વર્ષ ફેબ્રુઆરી ૨૦૦૫માં એક ડિનર પાર્ટી દરમ્યાન થયો હતો. જેમાં પાર્ટીમાં ભેગાં થયેલાં ઉપરોક્ત ત્રણ માલિકોને પાર્ટીના વિડીયોને એકબીજા સાથે શેર કરવામાં તકલીફ પડી હતી જેના વિકલ્પરૃપે યુટયૂબનો ઉદ્ભવ થયો. ૧૧.૫ મિલિયન ડોલરથી શરૃ થયેલી આ કંપનીએ આજે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી વિશ્વની ચોથા નંબરની સૌથી વધુ જોવાતી વેબસાઈટ બની ચૂકી છે ત્યારે આવો નજર કરીએ તેની સફર-એ-દાસ્તાં પર...

શરૂઆત

ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૫માં યુટયૂબનું ડોમેઈનનું બુકિંગ થયું. એપ્રિલ ૨૦૦૫માં પ્રથમ વિડીયો મૂકાયું ત્યાર બાદ સાઈટનું મે ૨૦૦૫માં બીટા વર્ઝન મૂકવામાં આવ્યું અને સત્તાવાર રીતે નવેમ્બર ૨૦૦૫માં તેને પબ્લિક સમક્ષ જાહેર કરાયું. ઓક્ટોબર ૨૦૦૬માં લોકપ્રિયતાનો મધપૂડો દેખાતાં ઓનલાઈન નંબર ૧ કંપની ગૂગલે તેને ૧.૬૫ બિલિયન ડોલરમાં હસ્તક કરી લીધી.

વિકાસ

વેબસાઈટની લોકપ્રિયતા વધતાં જુલાઈ, ૨૦૦૬માં તો રોજના ૬૫૦૦૦ જેટલાં વિડીયો સાઈટ ઉપર અપલોડ થવાં માંડયા હતાં. એક અભ્યાસ અનુસાર જાન્યુઆરી ૨૦૦૯માં ૬ કરોડથી પણ વધુ વિડીયો નેટીઝનોએ જોઈ નાંખ્યાં હતાં. યૂટયુબ ગૂગલ, યાહુ અને ફેસબુક પછીની સૌથી વધુ જોવાતી વેબસાઈટમાં ચોથા ક્રમાંકે છે. ધીરે ધીરે પોતાના વિકાસને આગળ ધપાવતાં વધુ ને વધુ પ્રાદેશિક બનાવતાં કુલ ૨૨ દેશો માટે પ્રાદેશિક વિડીયો આપતી વેબસાઈટ બનાવી. વર્ષ ૨૦૦૮માં ફોર્બ્સ મેગેઝિન દ્વારા યુટયુબની આવક લગભગ ૨૦૦ મિલિયન ડોલર જાહેર કરવામાં આવી હતી.

વિવાદ

યૂટયુબ પોતાના વિકાસની સાથે સાથે વિવાદમાં પણ સપડાયેલી રહેલી છે. યૂટયુબ પર અપલોડ કરેલાં યુઝરના વિડીયો માટે ઘણી કંપનીઓએ પોતાના વિડીયોના કોપીરાઈટના ભંગ બદલ કેસ કરેલ છે. તેમ જ સાઈટ ઉપર પોર્ન વિડીયો ખુલ્લેઆમ જોવા મળતાં હોવાથી પણ અમુક દેશોમાં વેબસાઈટનો બહિષ્કાર કરવાની માંગ ઊભી થયેલી છે. વેબસાઈટનું નામ યૂટયુબ (Youtube) હોવાથી તેના જેવાં જ નામથી પાઈપ અને ટયૂબની કંપની(utube) ની વેબસાઈટ ભળતાં નામના કારણે યુઝરની અવિરત વિઝીટના કારણે બ્લોક થઈ જતી હતી. તેમ જ કંપનીને વણજોઈતી બેન્ડવીથની કિંમત પણ ચૂકવવી પડતી હતી.

યુટયૂબ વિશે જાણવા જેવું

  • યુટયૂબ પર પ્રથમ વિડીયો 'Me at the zoo’ મૂકાયો જેમાં કંપનીના માલિકોમાંના એક જાવેદ કરીમ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે દેખાયેલ છે. આ વિડીયો આજે પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • યુટયૂબની સૌપ્રથમ ઓફિસ કેલિર્ફોિનયાના એક રેસ્ટોરન્ટના ઉપરના માળે હતી.
  • ૨૦૦૭માં એવું જાહેર કરાયું કે વિશ્વમાં કુલ ઈન્ટરનેટની બેન્ડવીથના વપરાશમાં સૌથી વધુ યુટયૂબ ઉપયોગ કરે છે
  • યુટયૂબનો માલિક ચેડ હર્લી ટોપ ટેન યંગ મિલિયોનર્સમાં ત્રીજા ક્રમે પહોંચ્યો
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ લાઈવ યુટયૂબ ઉપર લોકોના પ્રશ્નોના જવાબ આપ્યાં
  • બોલીવુડની ફિલ્મો પણ યુટયૂબ પર રિલીઝ કરવામાં આવી (સૌ પ્રથમ ફિલ્મ સ્ટ્રાઈકર રજૂ થઈ)
  • 'યુટયૂબ લાઈવ' દ્વારા જાણીતી ઈવેન્ટ્સનું લાઈવ કવરેજ
  • તાજેતરમાં થયેલા હૈતીમાં ભૂકંપના પીડિતોને મદદ કરવા સાત વર્ષના બાળકે યૂટયુબ પર અપલોડ કરેલા વિડીયો દ્વારા ૨,૪૦,૦૦૦ ડોલરથી પણ વધુ દાન ભેગું કર્યું હતું.
  • યુટયૂબે ઓનલાઈન મુવી ભાડે આપવાના ટ્રાયલમાં ૧૦,૭૦૯ ડોલરની કમાણી હતી.
  • માર્ચ ૨૦૧૦માં રમાનારી આઈપીએલ-૩ની દરેક મેચો યુટયૂબ ઉપર દર્શાવવામાં આવશે.

યુટયૂબ પર અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલ ટોપ 5 વિડીયો

1. Crank Dat music video by Soldier Boy (Views : 356,300,000)

2. Twilight, the movie trailer (Views : 266,500,000)

3. Touch My Body music video by Mariah Carey (Views : 230,200,000)

4. Jeff Dunham – Achmed the Terrorist (Views : 196,500,00)

5. Susan Boyle of Britain’s Got Talent (Views : 186,000,000)

*Charlie Bit My Finger…Again (Views :136,000,000)યુઝર દ્વારા બનાવાયેલા વિડીયોમાં સૌથી વધુ વખત જોવાયેલ વિડીયો

વિડીયો બન્યાં વધુ મોડર્ન

  • યુટયુબના વિડીયો પર લોકપ્રિયતા વધતાં ત્યાર બાદ તેને શેરિંગ કરવા માટે એમ્બેડિંગ પણ કરવામાં આવ્યાં જેથી બીજી કોઈ વેબસાઈટ પણ યુટયૂબના વિડીયો બતાવી શકે.
  • વિડીયોમાં જાહેરખબરોનો ઉમેરો કરવામાં આવ્યો.
  • વિડીયોમાં લખાણ ઉમેરવામાં આવ્યું તેમ જ લિંક પણ ઉમેરાઈ જેથી ચાલુ વિડીયોમાં જ સંબંધિત વિડીયો ક માહિતી મેળવી શકાય.
  • શક્ય બને તેટલાં દરેક બ્રાઉઝર અને ટેકનોલોજીને સપોર્ટ એવાં વિડીયો ફોર્મેટ બનાવવામાં આવ્યાં.

યુટયૂબના જાદૂઈ આંકડા

  • રજિસ્ટર થયેલા લોકોમાં ૭૦ ટકા અમેરિકાના છે જ્યારે તેમાના ૫૦ ટકા ૨૦ વર્ષથી નીચેની વયના છે.
  • લગભગ રોજની ૧૦,૦૦,૦૦૦ ડોલરની બેન્ડવિથનો ઉપયોગ કરે છે જ્યારે રોજના ૧,૦૦,૦૦,૦૦૦ વિડીયો જોવાય છે
  • સાઈટ પર અત્યાર સુધી ૭,૦૦,૦૦,૦૦૦ વિડીયોનો ઢગલો, જેની એવરેજ 5 MB સાઈઝ ગણીએ તો 350 Terabytes (1 terabyte = 1000 GBs) થાય.
  • સાઈટ પર અપલોડ થયેલા વિડીયોની લંબાઈ ૪૧૨.૩ વર્ષ એટલે કે દરેક વિડીયો જોવા માટે માણસે ૫ જન્મ લેવા પડે.
સફળતાનો કોઈ શોર્ટકટ નથી તેવા સુવિચારોને ખોટા ઠેરવી ફક્ત પાંચ જ વર્ષમાં આજે યુટયૂબ વિશ્વભરના લોકો માટે વિડીયો શેરિંગ માટેનું મહત્ત્વનું માધ્યમ બની ગયું છે ત્યારે કહેવાય છે કે ૨૧મી સદીમાં ફક્ત ત્રીસ સેકન્ડમાં જો ફેમસ બનવું હોય તો એકમાત્ર વિકલ્પ યુટયૂબ છે.



24/02/2010 - Covered in Sandesh - A Leading Gujarati Newspaper (Ardha Saptahik Supplement)













No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links